Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળના વાહન પર આતંકી હુમલો, પાંચના મોત
પેશાવર: પાકિસ્તાનના(Pakistan)ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદીઓનો નાબૂદ કરવા આતંકવાદ વિરોધી કાર્યવાહી વચ્ચે ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળના વાહન પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં ચાર સૈનિકો સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. આ ઘટના દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી.
હુમલામાં ચાર ફોર્સ કર્મચારીઓના મોત
આ હુમલા અંગે પોલીસના જણાવ્યા અનુસાર, કરિજાત લેવી નામના અર્ધલશ્કરી દળના જવાનો એક ખાનગી ડ્રાઈવર સાથે જિલ્લાના દરબન તાલુકામાં ચોરાયેલી ટ્રકને રિકવર કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ચાર ફોર્સ કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું.
આપણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૧૮ સુરક્ષાકર્મીના મોતઃ ૨૩ આતંકી ઠાર…
23 આતંકવાદીઓને ઠાર માર્યા હતા
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદીઓનો નાબૂદ કરવા માટે મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. શનિવારે, કાયદા અમલીકરણ એજન્સીઓએ બલુચિસ્તાનમાં અલગ અલગ કાર્યવાહીમાં 23 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
અથડામણ દરમિયાન 18 સૈનિકો માર્યા ગયા
આ દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું છે કે જે લોકો દેશને નિશાન બનાવે છે અને વિદેશી તાકતોના ઈશારે આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. તેમનો ખાત્મો બોલાવવામાં આવશે. કારણ કે તેઓ મિત્રોના રૂપમાં દુશ્મનો છે. બલુચિસ્તાનના કલાત જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 18 સૈનિકો માર્યા ગયા બાદ મુનીરે શનિવારે ક્વેટાની મુલાકાત લીધી હતી. આ સંઘર્ષમાં 23 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.