જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી….: પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર આઈઈડી બ્લાસ્ટ, વિદ્રોહીઓએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી

સિંધઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. સિંધ-બલૂચિસ્તાન સરહદ નજીક સુત્લાનકોટ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં ચાલતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર આજે ફરી એક વખત ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા અને ઘણા ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. બલુચ રિપબ્લિકન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે, જેમાં રિમોટ કંટ્રોલવાળા આઈઈડી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ત્રીજી વખત આ ટ્રેન પર મોટો હુમલો થયો છે.
મીડિયા અહેવાલ મુજબ, રાવલપિંડીથી ક્વેટ્ટાથી જતી જાફર એક્સપ્રેસ પર આઈઈડી વિસ્ફોટને કારણે ટ્રેન રેલવે ટ્રેક પરથી ઉતરી ગઈ હતી, જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટનાની જાણ થતા જ સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા. આ હુમલો સુલ્તાન કોટ વિસ્તારમાં થયો, જ્યાં ટ્રેનમાં પાકિસ્તાની જવાનો સફર કરતા હતા.
બલુચ રિપબ્લિકન આર્મીએ હુમલાની જવાબદારી લઈને વિદેશી મીડિયાના માધ્યમથી નિવેદન જારી કર્યું છે, સંગઠને જણાવ્યું કે “આજે અમારા ફ્રીડમ ફાઇટર્સે સુલ્તાન કોટમાં જાફર એક્સપ્રેસને આઈઈડી વિસ્ફોટથી નિશાન બનાવ્યા હતા, ત્યારે ટ્રેનમાં પાકિસ્તાની જવાનો સફર કરતા હતા, અને વિસ્ફોટથી અનેક જવાન મારી પડ્યા અને ઘાયલ થયા છે. અમે આઝાદી માટે આવા વધુ હુમલા કરતા રહીશું, આ નિવેદનમાં આતંકી સંગઠનએ પોતાની લડતને આઝાદીના નામે જોડી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાફર એક્સપ્રેસ પર ત્રણ મોટા હુમલા કરવામાં આવ્યા છે, જે પ્રદેશની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરે છે. સૌથી મોટો હુમલો 11 માર્ચે થયો, જ્યારે ટ્રેનને હાઈજેક કરી લેવામાં આવી અને 26 લોકોના મોત થયા, જેમાં સુરક્ષાકર્મીઓ પણ સામેલ હતા. જોકે, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 33 આતંકવાદીઓને મારી નાખ્યા અને 354 બંદીઓને મુક્ત કરાવ્યા હતા. જ્યારે 10 ઓગસ્ટે મસ્તુંગમાં આઈઈડી વિસ્ફોટથી છ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતારી પડ્યા હતા, જેમાં ચાર લોકો ઘાયલ થયા. જ્યારે બીજી બાજુ જૂન 2025માં સિંધના જેકોબાબાદ જિલ્લામાં એક વિસ્ફોટથી ચાર બોગીઓ ઉતરી હતી. પરંતુ કોઈને ગંભીર ઈજા નહોતી થઈ.