પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકીઃ લોટના ભાવ આસમાને, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારી તંત્ર

કરાચીઃ પાકિસ્તાનમાં ઘઉંના લોટના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. સિંધ સરકાર તરફથી ઘઉં પરની સબસિડી આપીને બજારમાં ભાવ સ્થિર કરવાના તમામ પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા છે. ઘઉંના લોટના મિલમાલિકોએ પણ સરકારી ઘઉં લેવાની ના પાડી દીધી છે અને તેમણે આરોપ મૂક્યો છે કે ફૂડ વિભાગના અધિકારીઓ ગોડાઉનમાંથી ઘઉં આપવા માટે લાંચ પેટે વધારે રૂપિયા માંગી રહ્યાં છે. એક બાજુ સરકાર ભાવને સ્થિર કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યા સરકારી અધિકારીઓ લોકોને લૂંટવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યાં છેય
અધિકારીઓના ભ્રષ્ટાચારથી જનતા પરેશાન
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે મિલ માલિકોનો આક્ષેપ છે કે, ફૂડ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. આના વિરોધમાં મિલ માલિકો ખુલ્લા બજારમાંથી મોંઘા દરે ઘઉં ખરીદે છે, જેનો બોજ સામાન્ય જનતા પર પડે છે. કરાચીમાં 5 કિલો લોટનું પેકેટ 630 પાકિસ્તાની રૂપિયામાં વેચાય છે, કેટલીક મિલ 650 સુધીનો ભાવ પણ લઈ રહી છે. લોટનો ભાવ આટલો વધી ગયો હોવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. પોતાની આવકનો એક મોટો ભાગ મોંઘવારી ખાઈ જાય છે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
મિલ માલિકોએ ઇમર્જન્સી બેઠક બોલાવી વિરોધ કર્યો
સિંધમાં હાલાત બગડી છે, કારણ કે સબસિડીવાળા ઘઉંને કેટલાક વેપારીઓ ખુલ્લા બજારમાં મોંઘા દરે વેચે છે. આમાં ફૂડ વિભાગના અધિકારીઓનું મૌન સમર્થન પણ છે. મિલ માલિકો આને સપ્લાય સિસ્ટમ સાથે રમત થઈ રહી રોવાનું માને છે. ફ્લોર મિલ ઓનર્સ સોશિયલ વેલ્ફેર એસોસિએશનની ઈમર્જન્સી મીટિંગમાં ચીફ હાજી મોહમ્મદ મેમનની અધ્યક્ષતામાં વેપારીઓને સબસિડીમાં સામેલ કરવાનો વિરોધ કરાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બેઠકમાં સબસિડી માળખામાં વેપારીઓના સમાવેશનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને ચેતવણી આપવામાં આવી હતી કે આવી નીતિ કૃત્રિમ અછત અને બજારમાં હેરાફેરી તરફ દોરી શકે છે.
આપણ વાંચો: પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર સામે બાથ ભીડનાર નિવૃત્ત મેજર આતંકી જાહેર: લંડનમાં ઘર પર હુમલો



