શાંતિ ન થઈ તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થશે, પાકિસ્તાનના રક્ષા પ્રધાને આપી ચેતવણી

કરાચીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી અથડામણ બાદ 19 ઓક્ટોબરે કતારની મધ્યસ્થતા હેઠળ તાત્કાલિક શાંતિ સ્થાપિત કરવામાં આવી હતી. હાલ ઇસ્તાંબુલમાં બંને દેશો વચ્ચે શાંતિ ચર્ચાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ આ વાતચીત વચ્ચે પાકિસ્તાનએ અફઘાનિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે. પાકિસ્તાન શાંતિ રાખવા માટે ધમકી આપવામાં આવી છે.
બંને દેશો વચ્ચેનો આ વિવાદ નવો નથી
પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, જો ઇસ્તાંબુલની શાંતિ ચર્ચામાં કોઈ સમજૂતી ન થાય, તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ અનિવાર્ય બની જશે. અફઘાનિસ્તાન શાંતિ માટે ઇચ્છુક છે એવું લાગે છે, પરંતુ જો ચર્ચા નિષ્ફળ જશે તો પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ નવો નથી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા આતંકી સંગઠનોના હુમલાઓથી માંડીને સરહદ પરના ડુરંડ રેખા વિવાદ સુધી ઘણા મુદ્દાઓ કારણે સંબંધોમાં તણાવ છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું! પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે
ડુરંડ રેખા પર પણ વારંવાર અથડામણો થયા કરે છે
મળતી વિગતો પ્રમાણે તુર્કી અને કતાર હાલ બંને દેશો વચ્ચે મધ્યસ્થ તરીકે કામગીરી કરી રહ્યા છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કાબુલ કબજે પછીથી પાકિસ્તાનમાં સતત હુમલાઓ વધી રહ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે ટીટીપીના આતંકીઓ અફઘાન ભૂમિ પરથી હુમલાઓ કરે છે અને અફઘાન પ્રશાસન તેની સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. બંને દેશોને અલગ કરતી 2,611 કિલોમીટરની ડુરંડ રેખા પર પણ વારંવાર અથડામણો થાય છે. અફઘાનિસ્તાન આ રેખાને આધિકારિક સરહદ તરીકે સ્વીકારતું નથી, જેના કારણે સરહદ પર ગોળીબારીઓ અને તણાવની સ્થિતિ સર્જાય છે. હવે આ બંન્ને દેશો વચ્ચે ક્યારે શાંતિ સ્થપાશે તેના વિશે કોઈ નક્કી કહી શકાય નહીં.



