અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો: ઇસ્તાંબુલમાં પાકિસ્તાનની શરતો તાલિબાને ફગાવી…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે માંડ માંડ થયેલો યુદ્ધવિરામ હવે તૂટવાની કડાર પર છે. તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ વાર્તા ગુરુવારે એટલી હદે અટવાઈ ગઈ કે બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા લાગ્યા. જે બેઠક યુદ્ધ રોકવાની હતી, તે જ બેઠક હવે યુદ્ધનું કારણ બની રહી છે.
અફઘાન પ્રતિનિધિઓએ તુર્કીના મધ્યસ્થીઓના પ્રસ્તાવ પર સંમતિ દર્શાવી, પણ પાકિસ્તાની ટીમે એવી શરતો મૂકી દીધી કે વાતચીત ત્યા જ રોકાઈ ગઈ. પાકિસ્તાને કહ્યું: “અફઘાનિસ્તાન લેખિતમાં ગેરંટી આપે કે તેની ધરતી પરથી પાકિસ્તાનમાં એક પણ હુમલો નહીં થાય.” તાલિબાને જવાબ આપ્યો, “આવી ગેરંટી કોઈ પાડોશી દેશ આપી શકે નહીં, ખાસ કરીને જ્યારે પાકિસ્તાનની અંદરની સુરક્ષા સ્થિતિ આટલી જટિલ હોય.”
પાકિસ્તાને બીજી શરત મૂકી કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના જે આતંકીઓ અફઘાનિસ્તાનમાં છે, તેમને પાકિસ્તાન પાછા મોકલવા પડશે. કાબુલે આને “હાસ્યાસ્પદ” કહીને ફગાવી દીધું. તાલિબાનનો સવાલ હતો: “તમે અમને TTPને આશરો આપવાનો આરોપ લગાવો છો અને હવે પોતે જ તેમને પાછા મોકલવા કહો છો?”
ગયા મહિને જ ઓક્ટોબરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સીમા પર ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા. 15 ઓક્ટોબરે યુદ્ધવિરામ થયો, 19મીએ દોહામાં અને 25મીએ ઇસ્તંબુલમાં શાંતિ વાર્તા યોજાઈ હતી. જ્યારે હવે ત્રીજા રાઉન્ડમાં શાંતિ આશા ઘટી રહી છે.



