ઇન્ટરનેશનલ

વેનેઝુએલામાં અમેરિકાની સ્ટ્રાઈકને વિપક્ષના નેતાઓએ વખોડી! સરકારનું મૌન

નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે યુએસ સેનાએ વેનેઝુએલાની રાજધાની કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કર્યું. રશિયા, ચીન, બ્રાઝીલ, ફ્રાંસ, ઈરાન, મેક્સિકો સહીતના ઘણા દેશોએ યુએસ આક્રમણને વખોડી કાઢ્યું છે, ભારત સરકારે હજુ દેશનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું નથી,પરંતુ વિપક્ષના નેતાઓએ યુએસની કાર્યવાહીની ભારે ટીકા કરી છે.

કોંગ્રેસ પક્ષના દિગ્ગજ અને કેરળના વાયનાડથી સાંસદ શશિ થરૂરે યુએસની કાર્યવાહીને “જંગલ રાજ” ગણાવ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X લખ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને યુનાઇટેડ સ્ટેટ્સના ચાર્ટરનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે, અને હવે જંગલનો કાયદો પ્રવર્તે છે.

કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ યુએસના વલણને ઈમ્પિરીયલ-સ્ટાઈલ પોલીટીક્સ ગણાવ્યું. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યુંમ, “ક્રુઝ મિસાઇલ દ્વારા સત્તાપરિવર્તન, યુદ્ધ જહાજથી લોકશાહી પહોંચાડવામાં આવી, અને પોતાના સિદ્ધાંતો હેઠળ સાર્વભૌમત્વની વ્યાખ્યા ફરીથી લખવામાં આવી? આ 21મી સદીના શબ્દશૈલીમાં 19મી સદીનો સામ્રાજ્યવાદ (imperialism) છે. જો આંતરરાષ્ટ્રીય કાયદા ફક્ત 2 લોકો માટે જ મહત્વપૂર્ણ હોય, તો યુએનએ પોતાનું કામ બંધ કરી દેવું જોઈએ. દુનિયાને નિયમો હેઠળ ચલાવવી જોઈએ, પાગલ શાસકોની જરૂઓર નથી.”

શિવસેનાના નેતાની પ્રતિક્રિયા:

શિવસેનાના નેતા શાઈના એનસીએ પણ વેનેઝુએલાનું સમર્થન કર્યું છે તેમણે યુએસના આક્રમણને ગંભીર ચિંતાનો વિષય છે ગણાવ્યો.

શાઈના એનસીએ કહ્યું, “ભારતે વર્ષોથી વેનેઝુએલા સાથે મજબૂત રાજદ્વારી જોડાણો સાથે હંમેશા સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકા સાથેના સંબંધોને કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા છે. કોઈ પણ દેશ વિશ્વને ધમકાવતો ફરી ના શકે. આજે વૈશ્વિક સમુદાય આવી કાર્યવાહી, સર્જિકલ સ્ટ્રાઈક અને નાગરિકોની સલામતીથી ચિંતિત છે.”

ઓવૈસીએ શું કહ્યું?

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આવી જ કાર્યવાહી કરવી જોઈએ.

ઓવૈસીએ કહ્યું, “જો ટ્રમ્પ પોતાની સેના મોકલી શકે છે અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડી શકે છે, તો પછી વડાપ્રધાન મોદી આપણી સેના પાકિસ્તાન મોકલીને 26/11 મુંબઈ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને કેમ ન પકડી શકે?”

આ પણ વાંચો…વેનેઝુએલામાં રહેલા ભારતીયોની વહારે આવી સરકાર: જાહેર કરી ગાઇડલાઇન

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button