OpenAIએ સેમ ઓલ્ટમેનને ChatGPTના CEO પદથી હટાવ્યા, મીરા મુરાતીને સોંપાઈ કમાન
ChatGPTની પેરેન્ટ કંપની OpenAIએ જણાવ્યું હતું કે કંપનીએ સીઈઓ સેમ ઓલ્ટમેનને બરતરફ કર્યા છે. કંપનીના બોર્ડે જણાવ્યું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવાની સતત અવગણના કરી રહ્યા હતા. કંપનીને લાગે છે કે તેઓ ફર્મનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી. બોર્ડના જણાવ્યા મુજબ સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ મીરા મુરાતીને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તે હવે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. આ પોસ્ટને સંભાળવા બોર્ડ કાયમી સીઈઓની પણ શોધ કરી રહ્યું. મીરા 2018 માં ટેસ્લા કંપની છોડ્યા પછી OpenAIમાં જોડાયા હતા.
મીરાની નિમણૂકના અંગેના પ્રશ્નના જવાબમાં, ઓપનએઆઈએ એક નિવેદનમાં કહ્યું: “મીરાનો લાંબો કાર્યકાળ અને AI ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં, બોર્ડ માને છે કે તેઓ આ ભૂમિકા માટે લાયક છે.”
મળતી માહિતી અનુસાર, લગભગ એક વર્ષ પહેલા 38 વર્ષીય ઓલ્ટમેને ChatGPT ચેટબોટ બનાવ્યું હતું. અભૂતપૂર્વ ક્ષમત ધરાવતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ChatGPT લોન્ચ થતાની સાથે જ ટેકની દુનિયામાં ખલબલી મચી ગઈ હતી. ChatGPT માત્ર થોડીક સેકન્ડોમાં એ કામ કરી આપે છે જેને કરવામાં કલાકો લાગે છે.
OpenAIના બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓલ્ટમેનને બરતરફ કરવાનો નિર્ણય ખૂબ જ વિચારણા બાદ લેવામાં આવ્યો છે. વિચારણા કર્યા પછી, બોર્ડ આ નિષ્કર્ષ પર પહોંચ્યું કે સેમ ઓલ્ટમેન તેના કામ વિશે સ્પષ્ટ નથી, બોર્ડને હવે OpenAI નું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ નથી.
ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટે ઓપનએઆઇમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ઓલ્ટમેને યુએસ કોંગ્રેસ સમક્ષ AI વિશે જુબાની આપી હતી અને ટેક્નોલોજી વિશે રાજ્યના વડાઓ સાથે વાત કરી છે, કારણ કે બાયોવેપન્સ, ડિસઇન્ફોર્મેશન અને સાઈબર અટેક માટે AIના સંભવિત ઉપયોગનું જોખમ વધી રહ્યું છે.
મીરા મુરાતીનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. તેમણે કેનેડામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ મિકેનિકલ એન્જિનિયર છે. ટેસ્લામાં કામ કરતી વખતે તેણે મોડલ એક્સ ટેસ્લા કાર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018 માં, તેણે ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપન એઆઈમાં કામ કરવાનું શરૂ કર્યું. મીરાને ગયા વર્ષે OpenAIની CTO બનાવવામાં આવ્યા હતાં.