
સના: ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયારના પ્રયાસોના પરિણામે યમનમાં તલાલ અબ્દો મહદીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી હતી.
ત્યાર બાદ થાપુરમ એપી અબુબકર મુસલિયાર સહિતના લોકોએ નિમિષા પ્રિયાની સજા રદ્દ થાય તે માટે બનતા પ્રયત્નો આદર્યા હતા ત્યારે આ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ નિમિષા પ્રિયા તથા તેના પરિવારજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
આપણ વાંચો: યમનના નિમિષા પ્રિયા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું સરકાર નિર્ણય લેશે
નિમિષા પ્રિયાને મુક્ત કરાશે: ડૉક્ટર પૌલ
આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યમનમાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાને મુક્ત કરવામાં આવશે. ગ્લોબલ પીસ ઇનિશિએટિવના સંસ્થાપક ડૉ. કે. એ. પૌલે એક વીડિયો સંદેશમાં દાવો કર્યો છે કે, “યમન તથા ભારતના નેતાઓના રાત-દિવસના અથાક પ્રયત્નો બાદ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ્દ કરવામાં આવી છે.”
આ વીડિયો સંદેશમાં ડૉ. કે. એ. પૌલે યમનના નેતાઓના “શક્તિશાળી અને પાર્થનાપૂર્ણ પ્રયત્નો” બદલ આભાર વ્યક્ત કર્યો છે. ડૉ. કે. એ. પૌલે વીડિયોમાં જણાવ્યું હતું કે, “હું એ તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરવા માંગું છું, જેમણે નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ્દ કરાવવાની મોટી સફળતામાં સામેલ છે.
ઈશ્વરની કૃપાથી નિમિષાને છોડવામાં આવશે અને ભારત મોકલવામાં આવશે. રાજદ્ધારીઓને મોકલવા માટે તૈયાર કરવા માટે હું વડા પ્રધાન મોદીજીનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને નિમિષાને સુરક્ષિત રીતે લઈ જવા ઈચ્છું છું.”
આપણ વાંચો: નિમિષા પ્રિયાની ફાંસી પર રોક: કેન્દ્ર સરકારના બચાવ પ્રયાસો ચાલુ
ભારતીય નર્સને થવાની હતી ફાંસીની સજા
16 જુલાઈ 2025ના રોજ નિમિષા પ્રિયાને ફાંસીની સજા થવાની હતી. પરંતુ 14 જુલાઈના રોજ તેને ફાંસીની સજાને નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયાર તથા ભારતના રાજદ્વારીઓ દ્વારા નિમિષાની સજા રદ્દ કરાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. નિમિષા પ્રિયાના પરિવારે આ કેસમાં માફી મેળવવા માટે મૃતકના પરિવારને ₹ 8.6 કરોડની ઓફર પણ કરી હતી.
નિમિષા પ્રિયાને કેમ થઈ ફાંસીની સજા?
ઉલ્લેખનીય છે કે કેરળની નિમિષા પ્રિયા નામની યુવતી 2008માં નર્સિંગની નોકરીની શોધમાં યમન ગઈ હતી. તેણે ત્યાંના તલાલ અબ્દો મહદી સાથે ભાગીદારીમાં એક ક્લિનિક શરૂ કર્યું હતું.
નિમિષાનો પાસપોર્ટ તલાલ અબ્દો મહદી પાસે હતો. જેને પરત કરવા માટે તલાલે તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. જેણે નિમિષા પ્રિયાને ગુનો કરવા માટે મજબૂર કરી હતી. પરંતુ દવાના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.