નેપાળમાં ક્રાંતિકારી નિર્ણય: વડા પ્રધાન સુશીલા કાર્કીએ મૃતકોને ‘શહીદ’નો દરજ્જો આપ્યો, પરિવારોને ₹ 10 લાખની સહાય…

કાઠમંડુઃ નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ આજે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યો હતો. તેણીએ ‘ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા’ માટે પ્રદર્શનકારીઓની માંગણીઓ પૂરી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તેમણે ઝેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શહીદ જાહેર કર્યા હતા તેમ જ દરેક પીડિત પરીવારને ૧૦ લાખ રૂપિયાની રાહત આપવાની ઘોષણા કરી હતી. આ માહિતી સ્થાનિક મીડિયા અહેવાલમાં આપવામાં આવી હતી.
૭૩વર્ષીય ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને છ મહિનામાં યોજાનારી ચૂંટણી પહેલા વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને ભ્રષ્ટાચાર મુક્ત ભવિષ્ય માટે વિરોધીઓની માંગણીઓને પૂર્ણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
શુક્રવારે પદભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ જાહેર ટિપ્પણીમાં કાર્કીએ જણાવ્યું કે આપણે ઝેન-ઝી પેઢીની વિચારસરણી અનુસાર કામ કરવું પડશે.
ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કીને ઝેન-ઝી આંદોલનની વધતી માંગને પગલે શુક્રવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શપથ લેવડાવ્યા હતા. તેમણે બે દિવસ પછી કાર્યભાર સંભાળ્યો અને રવિવારે સવારે લૈંચૌર ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના કાર્યકાળની શરૂઆત કરી હતી.
તેમના પ્રથમ નિર્ણયોમાંનો એક ગત અઠવાડિયાના હિંસક વિરોધ પ્રદર્શનોના પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો હતો.
મુખ્ય સચિવ એકનારાયણ આર્યલે પુષ્ટિ કરી કે વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શહીદનો દરજ્જો આપવામાં આવશે. તેમજ તેમના પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
સ્થાનિક મીડિયા અનુસાર આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૭૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૫૯ પ્રદર્શનકારીઓ, ૧૦ કેદીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
પ્રદર્શનકારીઓએ વર્તમાન સંસદ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ અને વાસ્તવિક સુધારા માટે અસમર્થ હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. કાર્કીની ભલામણ પર કાર્યવાહી કરતાં નીચલા ગૃહનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પૌડેલે આ વિસર્જનને એક મુશ્કેલ પરંતુ જરૂરી પગલું ગણાવ્યું હતું. જેણે બંધારણ, સંસદીય પ્રણાલી અને નેપાળના સંઘીય લોકશાહી પ્રજાસત્તાકને સુરક્ષિત રાખ્યું હતું.
તેમણે જણાવ્યું કે એક અત્યંત કપરી અને ભયાનક પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાન કરવામાં આવ્યું છે. આ એક એવી તક હતી જે કુશળ હસ્તક્ષેપને કારણે શક્ય બની હતી. જો કે રાજકીય વર્તુળોમાં આ નિર્ણયની ભારે ટીકા થઇ છે.