નેપાળ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું: વાઘ સહિત 7 પ્રજાતિના સંરક્ષણ માટે મોટું પગલું

કાઠમંડુઃ નેપાળ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)નું સભ્ય બની ગયું છે. આ માહિતી આઇબીસીએ આપી હતી. આઇબીસીએના જણાવ્યા અનુસાર નેપાળે ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તે ઔપચારિક રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)માં જોડાઇ ગયું છે.
આઇબીસીએએ વાઘ, ચિત્તા અને હિમ ચિત્તા સહિત સાત મોટી બિલાડીના વર્ગની પ્રજાતિઓના સંરક્ષણ માટે ભારતની આગેવાની હેઠળની વૈશ્વિક પહેલ છે. આઇબીસીએની સ્થાપના મોટી બિલાડીના વર્ગની સાત પ્રજાતિના સંરક્ષણમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતમાં વાઘના મોતનો ચોંકાવનારો ખુલાસો: પચાસ ટકાથી વધુ મૃત્યુ અભયારણ્યોની બહાર!
આઇબીસીએ જણાવ્યું કે નેપાળમાં હિમ ચિત્તા, વાઘ અને સામાન્ય ચિત્તા જોવા મળે છે. તેથી નેપાળનો આઇબીસીએમાં જોડાવાનો નિર્ણય આ પ્રજાતિના જીવોના સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગને મજબૂત બનાવશે.
આઇબીસીએ નેપાળ સરકારને સહિયારી પર્યાવરણીય સુરક્ષાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલાં બદલ અભિનંદન પાઠવ્યા હતા. નેપાળમાં ૨૦૨૨ સુધીમાં વાઘની વસ્તી લગભગ ત્રણ ગણી વધીને ૩૫૫ થવા પામી હતી. જે ૨૦૦૯માં માત્ર ૧૨૧ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૯ એપ્રિલ, ૨૦૨૩ના રોજ કર્ણાટકના મૈસુરમાં સાત મોટી બિલાડીના વર્ગની વાઘ, સિંહ, ચિત્તા, હિમ ચિત્તા, જગુઆર અને પુમાની પ્રજાતિઓના વૈશ્વિક સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)નો શુભારંભ કર્યો હતો.