નેપાળમાં અરાજકતાઃ પીએમ ઓલીએ આખરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ભવનમાં આગચંપી…

કાઠમંડુ: ગઈ કાલે નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં, જેને ડામવા માટે સરકારે તમામ પ્રયત્નો કર્યા હતાં, સેના અને પોલીસના ગોળીબારમાં 19 યુવકોના મોત થયા છે. કેટલાક વિસ્તારમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓ પર લાઠી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, છતાં સરકાર યુવકોનો રોષ ડામી ના શકી. નેપાળમાં આજે મંગળવારે વધુ ઉગ્ર પ્રદર્શનો જોવા મળી રહ્યા છે, જેને કારણે અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. એવામાં નેપાળના વડાપ્રધાન કે પી ઓલીએ રાજુ આપી દીધું છે.
ગઈ કાલે નેપાળ સરકારના ઘણા પ્રધાનોએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદથી વડા પ્રધાન ઓલી પર રાજીનામું આપવાનું ભારે દબાણ હતું, આજે તેમને રાજીનામું આપવું પડ્યું છે.
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાને આગચંપી:
પ્રદર્શનકારીઓ ભક્તપુરના બાલકોટ ખાતે આવેલા વડા પ્રધાન ઓલીના ખનગી નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. જોકે ઓલી હાલમાં બાલવાતાર ખાતે વડા પ્રધાનના નિવાસસ્થાને રહે છે.
અહેવાલો મુજબ પ્રદર્શનકારીઓએ નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં આંટા મારતા અને તોડફોડ કરતા જોવા મળે છે.
અન્ય જગ્યાઓએ પણ તોડફોડ:
પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના ખુમલતાર ખાતે આવેલા નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. કાઠમંડુના બુધાનિલકાંઠા ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના ઘરની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હિંસક પ્રદર્શનો વચ્ચે કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેને કારને હજારો મુસાફરો ફસાયા છે.
આ પણ વાંચો…હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?