નેપાળ સરકારે કરી મોટી ભૂલ! આ કારણે યુવાનો વિફર્યા અને સરકારને ઝુકાવી...
ઇન્ટરનેશનલ

નેપાળ સરકારે કરી મોટી ભૂલ! આ કારણે યુવાનો વિફર્યા અને સરકારને ઝુકાવી…

કાઠમંડુ: ગઈ કાલે નેપાળમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં, જેને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને નેપાળની ઓલી સરકાર સામે બળવો પોકાર્યો હતો.

પોલીસ સાથેની અથડામણમાં 19 લોકોનાં મોત થયા છે અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સરકારે પ્રતિબંધ લગાવતા યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો, પ્રદર્શનો બાદ સરકારે ઝૂકવું પડ્યું અને પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો.

રાજધાની કાઠમંડુથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે નેપાળના અન્ય પ્રાંતોમાં ફેલાઈ ગયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કાઠમંડુ ઉપરાંત બાણેશ્વર, સિંહદુરબાર, નારાયણહિટી વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.

સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ લગાવ્યો?
અહેવાલ મુજબ નેપાળ સરકારે 28 ઓગસ્ટના રોજ નોટિસ જાહેર કરીને સોશિયલ મીડિયા કંપનીઓને એક અઠવાડિયાની અંદર સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.

ટિકટોક, વાઇબર, વિક્ટુક, નિમ્બુઝ અને પોપો લાઇવ સહીતના કેટલાક પ્લેટફોર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે મેટા, આલ્ફાબેટ, એક્સ, રેડિટ અને લિંક્ડઇન જેવી મોટી કંપનીઓએ ડેડલાઈન પહેલા નોંધણી કરાવી નહીં. જેને કારણે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.

યુવાનો કેમ વિફર્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવામાં આવતા, યુવકોમાં રોષ ફાટી નીકળ્યો અને સરકાર સામે પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા. યુવકોએ આરોપ લગાવ્યો કે સરકાર વાણી સ્વતંત્ર છીનવી લેવા ઈચ્છે છે, સાથે સાથે યુવકોએ સરકારી તંત્ર ભ્રષ્ટાચારનો મુદ્દો પણ જોરશોર ઉઠાવ્યો.

પ્રદર્શનકારીઓ રસ્તા પર “સોશિયલ મીડિયા નહીં, ભ્રષ્ટાચાર બંધ કરો”, “યુવાનો ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે” જેવા નારા લગાવતા જોવા મળ્યા હતાં.

નેપાળના એક સ્થાનિક અખબાર મુજબ નેપાળમાં ફેસબુક લગભગ 1.35 કરોડ યુઝર્સ છે અને ઇન્સ્ટાગ્રામના લગભગ 3.6 કરોડ યુઝર્સ છે. લાખો લોકો સોશિયલ મીડિયા મારફતે પોતાનો બિઝનેસ ચલાવે છે.

જેને કારણે તેમના પર આ પ્રતિબંધોની સીધી અસર થઇ. આ ઉપરાંત ખામીયુક્ત શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રણાલી સામે વર્ષોથો લોકોમાં રોષ છે, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે રોષ ફાટી નીકળ્યા બાદ અન્ય મુદ્દાઓ પણ જોડાઈ ગયા

સરકારને ઝૂકવું પડ્યું:
યુવકોના રોષને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારને ઝૂકવું પડ્યું અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધો પાછા ખેંચવા પડ્યા. નેપાળના સંદેશાવ્યવહાર, માહિતી અને પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગે સાંજે જાહેરાત કરી કે ઈમરજન્સી કેબિનેટ બેઠક બાદ સરકારે પ્રતિબંધ લાડવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

આ પણ વાંચો…19ના મોત બાદ Gen-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર, સોશિયલ મીડિયા ફરી શરૂ થયા…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button