અમેરિકાના ટેક્સાસમાં મેક્સિકન નેવીનું વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું: 5 લોકોનાં મોત

વોશિંગ્ટન: અમેરિકાના ટેક્સાસમાં ગેલ્વેસ્ટન તટ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મેડિકલ મિશન પર જતું મેક્સિકોની નૌસેનાનું એક નાનું વિમાન અચાનક સમુદ્રમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકી કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ માટે દરિયામાં યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ વિમાન કોઈ સૈન્ય અભ્યાસ નહીં, પણ એક મેડિકલ મિશન પર હતું. વિમાનમાં કુલ આઠ લોકો સવાર હતા, જેમાં ચાર નૌસેનાના અધિકારીઓ અને ચાર નાગરિકોનો સમાવેશ થતો હતો. આ યાત્રીઓમાં એક નાનું બાળક પણ સામેલ હતું. મેક્સિકોની નૌસેનાએ જણાવ્યું છે કે આ વિમાન ગંભીર રીતે દાઝી ગયેલા બાળકોની સારવાર કરતી સંસ્થા ‘મિચુ એન્ડ માઉ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલું હતું અને એક દર્દીને સારવાર માટે લઈ જઈ રહ્યું હતું.
દુર્ઘટના સોમવારે બપોરે હ્યુસ્ટનથી લગભગ 50 માઇલ દક્ષિણ-પૂર્વમાં આવેલા ગેલ્વેસ્ટન વિસ્તારમાં ઘટી હતી. વિમાન દરિયામાં ખાબકતાની સાથે જ સ્થાનિક ઈમરજન્સી એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. ગેલ્વેસ્ટન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા ડાઇવિંગ ટીમ, ડ્રોન યુનિટ અને પેટ્રોલિંગ ટીમને કામે લગાડવામાં આવી છે. મેક્સિકોની નેવી પણ અમેરિકન અધિકારીઓ સાથે ખભેથી ખભા મિલાવીને બચાવ કામગીરીમાં સહયોગ કરી રહી છે.
આ અકસ્માત પાછળના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ જણાવ્યું છે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ એક અકસ્માત હતો કે કોઈ ટેકનિકલ ખામી, તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે મેડિકલ અને ડિફેન્સ ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.



