રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’

યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે. ઘણા પ્રયાસો બાદ યુદ્ધ ન રોકાતા હવે ટ્રમ્પે નવી રણનીતિનો પ્રયોગ કર્યો છે. તેમણે રશિયા પર યુદ્ધ ન રોકાયુ તો 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. આ નિવેદન બાદ નાટોના ચિફે પણ રશિયા પર આર્થિક દબાણ બનાવવા માટે ત્રણ દેશોને વાત કરી હતી.
નાટોના મહાસચિવ માર્ક રુટેએ ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ કડક ચેતવણી આપી છે. તેમણે યુક્રેન-રશિયા સંઘર્ષના સંદર્ભમાં આ દેશોને શાંતિ મંત્રણા માટે રશિયા પર દબાણ લાવવા જણાવ્યું. આ નિવેદન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 100% ટેરિફની ધમકી બાદ આવ્યું છે, જે રશિયા સાથેના વેપારને લક્ષ્ય બનાવે છે.
નાટોની કડક ચેતવણી
બુધવારે અમેરિકન સાંસદો સાથેની બેઠકમાં માર્ક રુટેએ કહ્યું કે જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયાનું તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે, તો તેમના પર 100% સેકન્ડરી પ્રતિબંધો લાગુ થશે. તેમણે આ દેશોના નેતાઓને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને શાંતિ વાટાઘાટો ગંભીરતાથી લેવા માટે દબાણ કરવા જણાવ્યું, નહીંતર આર્થિક નુકસાનનો સામનો કરવા માટે તૈયાર રહેવાની ચિમકી પણ આપી હતી.
ટ્રમ્પની ધમકી અને નાટોની યોજના
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 50 દિવસમાં શાંતિ સમજૂતી ન થાય તો રશિયાના વેપારી ભાગીદારો પર 100% ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત, ટ્રમ્પે યુક્રેનને અદ્યતન હથિયારો, જેમ કે પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ, આપવાની જાહેરાત કરી, જેનો ખર્ચ યુરોપ ઉઠાવશે.
વૈશ્વિક અસર અને પ્રતિક્રિયા
ભારત, ચીન અને બ્રાઝિલ રશિયન તેલના મોટા ખરીદદારો છે, અને આ પ્રતિબંધો તેમની અર્થવ્યવસ્થા અને ઉર્જા પુરવઠા પર ગંભીર અસર કરી શકે છે. રશિયાના નાયબ વિદેશ મંત્રી સેરગેઈ રાયબકોવે આ ધમકીઓને “અસ્વીકાર્ય” ગણાવી, જણાવ્યું કે રશિયા વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ શરતો સ્વીકારશે નહીં. અમેરિકન સેનેટમાં 500% ટેરિફનો પ્રસ્તાવ પણ ચર્ચામાં છે, જે રશિયાના વેપારી ભાગીદારોને વધુ અસર કરશે.
આ પણ વાંચો…ટ્રમ્પ-ઝેલેન્સકીનો સિક્રેટ પ્લાન: રશિયા પર હુમલાની તૈયારી?