Myanmar Earthquake: ઇસરોએ શેર કરી ભૂકંપ પછીની નુકસાનની સેટેલાઈટ તસવીરો…

નવી દિલ્હી: મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7. 7 ની તીવ્રતાના ભૂકંપે (Myanmar Earthquake) તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 2200 લોકોના મોત થયા છે. જોકે, આ શકિતશાળી ભૂકંપ બાદ થયેલા નુકસાનની તસવીરો ઇસરોએ શેર કરી છે. ઇસરોએ તેના અદ્યતન પૃથ્વી ઇમેજિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 ની મદદથી લીધેલી અને જાહેર કરેલી તસવીરોમાં મ્યાનમારમાં સર્જાયેલી તબાહી નજરે પડે છે. જેમાં માંડલે અને સગાઇંગ શહેરોની ભૂકંપમા ઘરાશાઈ થયેલી બિલ્ડિંગો, રસ્તા અને ઐતિહાસિક ઇમારતો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

ઈરાવદી નદી પરનો પુલ ધ્વસ્ત થવાની તસવીર સામેલ
ઇસરોના ઉપગ્રહ કાર્ટોસેટ-3 એ 500 કિલોમીટરની ઉંચાઇથી આ તસવીરો લીધી છે. જેમા ઈરાવદી નદી પર નિર્મિત વિશાળ અવા(ઈનવા) પુલ ધ્વસ્ત થવાની તસવીર પણ સામેલ છે. આ ઉપરાંત માંડલે યુનિવર્સિટી અને અનંદા પગોડાને થયેલ નુકસાન પણ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે જણાવ્યું હતું કે આ તસવીરો શનિવારે લેવામાં આવી હતી. જ્યારે નુકસાનનું આકલન 18 માર્ચે લેવામાં આવેલી તસવીરો સાથે સરખામણી કરીને કરવામાં આવ્યું હતું.ઇસરોએ વર્ષ 2019માં લોન્ચ કરાયેલો કાર્ટોસેટ-3 ઉપગ્રહ 50 સેન્ટિમીટરથી ઓછા રિઝોલ્યુશન સાથે તસવીરો લેવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: નોર્થ ઇસ્ટના આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ…
મઠો અને અન્ય ઇમારતોને પણ નુકસાન
આ તસવીરોમાં માંડલેના સ્કાય વિલા, ફયાની પગોડા, મહામુની પગોડા, અનંદા પેગોડા અને માંડલે યુનિવર્સિટી જેવા મુખ્ય મંડલે સ્થળો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે અથવા આંશિક રીતે નુકસાન થયું છે. સગાઇંગ શહેરમાં મા શી ખાના પગોડા અને અનેક મઠો અને અન્ય ઇમારતોને પણ નુકસાન થયું હતું.
આ પણ વાંચો:UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….
ભૂકંપ કેમ આવ્યો?
ઇસરોના આકલન મુજબ, મ્યાનમાર ભારતીય અને યુરેશિયન પ્લેટોની સીમાની નજીક સ્થિત છે. જ્યાં ભારતીય પ્લેટ દર વર્ષે લગભગ 5 સેન્ટિમીટરની ઝડપે યુરેશિયન પ્લેટ તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત મ્યાનમારમાં સગાઇંગ ફોલ્ટ જેવી ઘણી નાની સક્રિય ફોલ્ટ લાઇનો પણ છે. આ ફોલ્ટ મધ્ય મ્યાનમારમાંથી પસાર થાય છે અને બે પ્લેટો વચ્ચેની બાજુની ગતિને સંતુલિત કરે છે. ઇસરોના મતે શુક્રવારનો ભૂકંપ સગાઇંગ ફોલ્ટ અથવા તેની સહાયક ફોલ્ટ પર ઉભા થયેલા દબાણના કારણે આવ્યો હતો.