શું હવે મસ્ક બનાવશે મહાસત્તા? ‘અમેરિકા પાર્ટી’ની જાહેરાત, અમેરિકન રાજકારણ ગરમાયુ

વોશિંગ્ટન: અમેરિકામાં 249માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદાસ્પદ ‘વન બિગ બ્યુટીફુલ લો’ લાગુ કર્યો છે. જેના પડકાર રૂપે ઉદ્યોગપતિ ઈલોન મસ્કે નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી છે. તેમને આ પાર્ટીનું નામ અમેરિકા પાર્ટી રાખ્યું છે. આ નવી રાજકીય પાર્ટીની જાહેરાતથી રાજકીય વર્તુળઓમાં ખળભળાટ મચી જાવા પામ્યો છે. મસ્કનો દાવો છે કે આ પાર્ટી અમેરિકનોને વર્તમાન એકપક્ષીય વ્યવસ્થામાંથી મુક્તિ અપાવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાહેરાત કરી.
ઈલોન મસ્કે એક્સ પર એક પોલ શેર કરીને લોકોનો મત જાણ્યો હતો, જેમાં તેમણે પૂછ્યું કે શું અમેરિકનો એકપક્ષીય શાસન વ્યવસ્થામાંથી સ્વતંત્રતા ઈચ્છે છે? આ પોલમાં 65.4% લોકોએ ‘હા’માં મત આપ્યો, જ્યારે 34.6%એ વિરોધ કર્યો. મસ્કે આ જનસમર્થનને પોતાની પાર્ટીની સ્થાપનાનો આધાર ગણાવ્યો. તેમણે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટીકા કરતા કહ્યું કે અમેરિકા લોકશાહી નહીં, પરંતુ એકપક્ષીય વ્યવસ્થામાં ફસાયેલું છે, જે ભ્રષ્ટાચાર અને બરબાદી તરફ દોરી જાય છે.
ઉલ્લેખનીય છે કે મસ્કની આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે મસ્ક અને ટ્રમ્પ વચ્ચે વિવાદ ચાલી રહ્યો અને મસ્ક DOGE પ્રોજેક્ટમાંથી પણ બહાર નીકળી ગયા છે. તેમનું આ પગલું રાજકીય અને જાહેર જીવનમાં મોટો ફેરફાર દર્શાવે છે. અમેરિકા પાર્ટીના ગઠનનો હેતુ લોકોની ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવવાનો છે, એવો મસ્કેનો દાવો છે. આ નવી પાર્ટી રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ સામે વિકલ્પ તરીકે ઉભરી શકે છે.