મોઝામ્બિકમાં અસ્થિરતાઃ ચૂંટણીને લઇને કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી હિંસામાં ૨૧નાં મોત
માપુતાઃ મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૨૧ લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી.
મોઝામ્બિકના ગૃહ પ્રધાન પાસ્કોલ રોન્ડાએ મંગળવારે મોડી રાત્રે માપુતોમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એક દિવસ પહેલા કોર્ટની જાહેરાત બાદ હિંસા અને લૂંટફાટની સ્થિતિ પેદા થઇ ગઇ હતી.
આપણ વાંચો: મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બબાલઃ વિરોધ પ્રદર્શનોમાં ૧૦નાં મોત
તેમણે કહ્યું કે આ અંધાધૂંધીનું નેતૃત્વ કરનારા મોટે ભાગે હારેલા ઉમેદવાર વેનાન્સિયો મોન્ડેલનના યુવા સમર્થકો હતા. તેમને ૨૪ ટકા મત મળ્યા હતા. જે ચાપો બાદ બીજા ક્રમે છે અને તેમને ૬૫ ટકા મત મળ્યા હતા.
રોન્ડાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાષ્ટ્રીય ક્ષેત્રમાં હિંસાની ૨૩૬ ઘટનાઓ નોંધાઇ હોવાનું પ્રારંભિક સર્વેક્ષણો દર્શાવે છે. જેમાં મોઝામ્બિક પ્રજાસત્તાકની પોલીસના બે સભ્યો સહિત ૨૧ લોકોના મોત થયા હતા. ઉપરાંત ૧૩ નાગરિકો અને ૧૨ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું રોન્ડાએ જણાવ્યું હતું.