મોરબીનો મુસ્લિમ યુવક કઈ રીતે રશિયન આર્મીમાં થયો ભરતી? ડ્રગ્સ કેસમાં દોષિત ઠર્યો ને…………

નવી દિલ્હી : રશિયા દ્વારા ભારતીયોને ફોસલાવીને સેના ભરતી કરવામાં આવતા હોવાના અહેવાલો સતત પ્રકાશિત થઈ રહ્યા છે. જે દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધમાં એક ગુજરાતીને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જે રશિયા દ્વારા યુદ્ધ લડી રહ્યો હતો. જોકે, આ અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી
ભારતીય દૂતાવાસ આ અહેવાલની સત્યતાને તપાસી રહ્યું છે
આ અંગે મળતી માહિતી મુજબ કિવમાં ભારતીય દૂતાવાસ આ અહેવાલની સત્યતાને તપાસી રહ્યું છે. તેમજ યુક્રેને આ અંગે હજુ કોઈ માહિતી આપી નથી. જયારે યુક્રેનિયન આર્મીના 63મા મિકેનાઇઝ્ડ બ્રિગેડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ગુજરાતના મોરબીનો 22 વર્ષીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈનને ઝડપ્યો છે.
યુક્રેનની સેનાએ યુવકનો વિડીયો જાહેર કર્યો
આ ઉપરાંત યુક્રેનની સેનાએ આ યુવકનો એક વિડીયો પણ જાહેર કર્યો છે. આ યુવક રશિયાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો. જેમાં તેને ડ્રગ્સ કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ તેમાં રશિયન ભાષામાં કહેવામાં આવે છે કે જો તેને સજાથી બચવું હોય તો રશિયાની સેના સાથે એક કરાર કરવો પડશે. જેમાં તે જેલમાં રહેવા નહોતો માંગતો તેથી તેણે આ કરાર પર સહી કરી હતી. જેમાં યુકેન રશિયા યુદ્ધના વિશેષ સૈન્ય અભિયાનનો ભાગ બનવું પડશે.
સાહિલ મોહમ્મદ હુસૈન ગુજરાતના મોરબીનો રહેવાસી
સાહિલ મોહમ્મદ હુસૈન ગુજરાતના મોરબીનો રહેવાસી છે.તેમજ હુસૈને કહ્યું કે તેમના કરાર મુજબ, તેમણે એક વર્ષ માટે રશિયન સેનામાં સેવા આપવાનો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે તેમની સેવા પૂર્ણ થયા પછી તેને ભારત પાછા મોકલવામાં આવશે.
16 દિવસની તાલીમ બાદ યુદ્ધ મિશન પર મોકલવામાં આવ્યો
આ વિડીયો મુજબ એક ઓક્ટોબરના રોજ 16 દિવસની તાલીમ બાદ સાહિલ મોહમ્મદ હુસૈનને પ્રથમ યુદ્ધ મિશન પર મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે ત્રણ દિવસ પસાર કર્યા હતા. તેમજ પોતાના કમાન્ડર સાથે સંઘર્ષ બાદ તેણે 63મી મેકેનાઈઝડ બ્રિગેડ યુક્રેન સેના સામે આત્મસમપર્ણ કર્યું હતું.
ભારતીયોને રશિયન સેનામાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, ભારત સહિત ત્રીજા પક્ષના દેશોના નાગરિકોને આકર્ષક નોકરીઓ અથવા અન્ય તકોના વચન આપીને રશિયા દ્વારા ફોસલાવવા આવ્યા હતા અને પછી તેમને સેનામાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ વર્ષના જાન્યુઆરીમાં સરકારે આવા ભારતીયોની સંખ્યા 126 જણાવી હતી.આમાંથી 96 ભારત પાછા ફર્યા હતા. જયારે 12 મૃત્યુ પામ્યા હતા અને 16 ગુમ છે.