નેપાળના વડા પ્રધાન અને જિનપિંગને વચ્ચે મુલાકાત, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધારવા કરાર
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ હાલ ચીનના પ્રવાસે છે. ગઈ કાલે શનિવારે નેપાળના વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશોએ વિકાસના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિએ લેન્ડલોક દેશ નેપાળને ચીન સાથે જોડવાનું વચન આપ્યું હતું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત કનેક્ટિવિટી સુવિધાઓ સુધારવામાં પણ મદદ કરવાની ખાતરી આપી હતી. જાણકારોના મત મુજબ ચીન સાથે નેપાળના વધી રહેલા સંબંધો ભારત માટે ચિંતા જનક છે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ દરમિયાન ચીન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના અંતમાં વડાપ્રધાન બન્યા બાદ પ્રચંડની આ પહેલી ચીન મુલાકાત છે. આ પહેલા પ્રચંડ ભારત અને અમેરિકાની મુલાકાત લઇ ચુક્યા છે. પ્રચંડ સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગે કહ્યું કે બંને દેશોએ ‘ટ્રાન્સ-હિમાલયન મલ્ટી-ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક’ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં સફળતા હાંસલ કરી છે.
નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળે ચીનના સાત બંદરો સુધી પહોંચ મેળવવા માટે ટ્રાન્સપોર્ટ-ટ્રાન્ઝીટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બેઠકમાં નવ બિઆરઆઈ પ્રોજેક્ટની પણ પસંદગી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શીએ કહ્યું કે આપણા બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા જોઈએ. આપણે એકબીજાની સમસ્યાઓમાં એકબીજાને ટેકો આપવો જોઈએ. પ્રચંડે કહ્યું હતું કે શી એક દૂરંદેશી વૈશ્વિક નેતા છે. તે નેપાળીઓના સારા મિત્ર છે. નેપાળ અને ચીન સારા મિત્રો છે. અમે એકબીજા પર વિશ્વાસ કરી શકીએ છીએ.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ નેપાળ અને તિબેટની વચ્ચે મોટો પહાડી દુર્ગમ વિસ્તાર છે. તેથી, બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે, ટ્રાન્સ-હિમાલયન કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હેઠળ રોડ અને રેલ નેટવર્ક વિકસાવવામાં આવશે. નેપાળની મોટાભાગની આયાત ભારતમાંથી થાય છે. નેપાળમાં પોતાની હાજરી વધારવા માટે ચીન ભારત પર નેપાળની નિર્ભરતા ઘટાડવા માંગે છે. જો કે, નેપાળમાં અનેક ચીની પ્રોજેક્ટ્સ અટવાયેલા પડ્યા છે.