હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર મામલે સરકાર સામે હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા (Gen-Z protest in Nepal) હતાં, જેમાં 19 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચી લીધો છે પણ હજુ પણ યુવાનોમાં રોષની લાગણી છે, કર્ફ્યું છતાં આજે મંગળવારે પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, હાઈવે બ્લોક કરી રહ્યા છે. પાટનગર કાઠમંડુ સહીત નેપાળના ઘણા વિસ્તારોમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે, એવામાં ભારત સરકારે નેપાળમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે.
આજે મંગવારે જાહેર કરવામાં આવેલી એક એડવાઈઝરીમાં ભારત સરકારે નેપાળમાં રહેતા ભારતીયોને સાવચેતી દાખવવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે.
યુવાનોના મોત દુ:ખદ:
ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ નેપાળમાં ઉભી થયેલી પરિસ્થતી અંગે ચિંતા વ્યક્ત કરી. મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલથી નેપાળની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતે યુવાનોના જીવ મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “અમે ગઈકાલથી નેપાળમાં ઘટી રહલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને યુવાનોના જીવ ગુમાવવાથી ખૂબ દુઃખી છીએ. અમારી ભાવના અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી આશા રાખીએ છીએ.”
નેપાળમાં વસતા ભારતીયો અંગે મંત્રાલયે કહ્યું, “અધિકારીઓએ કાઠમંડુ અને નેપાળના અન્ય ઘણા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો છે. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અને ગાઈડલાઈન્સનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”
નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે નેપાળને નજીકનો મિત્ર દેશ ગણાવ્યો. નિવેદનમાં નેપાળના તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવા અપીલ કરી.
આપણ વાંચો: નેપાળ સરકારે કરી મોટી ભૂલ! આ કારણે યુવાનો વિફર્યા અને સરકારને ઝુકાવી…