માલદીવની સંસદ બની કુરુક્ષેત્રઃ સાંસદોની મારપીટ, ધમાલના વીડિયો વાઈરલ
માલેઃ ભારત અને માલદીવ વચ્ચે જ્યારથી સંબંધો બગડ્યા છે ત્યારથી માલદીવ ચર્ચામાં રહ્યું છે. 26મી જાન્યુઆરીઆ માલદીવે ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપ્યા પછી તાજેતરમાં અહીંની સંસદમાં સાંસદોએ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. સાંસદો વચ્ચેની મારપીટને કારણે પાર્લામેન્ટની કામગીરીને સ્થગિત કરવાની નોબત આવી હતી, પરંતુ તેના વીડિયો વાઈરલ થવાને કારણે ફરી માલદીવના સાંસદો લાઈમલાઈટમાં આવ્યા હતા. વાઈરલ વીડિયો પર લોકોએ અજબગજબની પ્રતિક્રિયા આપી હતી.
ભારત સાથેના સંબંધો બગાડીને બેસેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની કેબિનેટનો વિપક્ષના સભ્યો દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. હાલમાં માલદીવ્સની સંસદનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે, જેમાં વિપક્ષના સભ્યોને ગૃહમાં પ્રવેશબંધી હોવા છતાં તેઓ બળજબરીથી ઘુસી ગયા હતા અને શાસક પક્ષના સાંસદો સાથે મારઝૂડ પણ થઇ હતી.
ભારે આશ્ચર્ય સર્જે તેવા વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે ગૃહના દરવાજા પાસે વિપક્ષના સભ્યો અને શાસક પક્ષના સાંસદો વચ્ચે ધક્કામુક્કી અને બળપ્રયોગ થઇ રહ્યો છે. ગૃહમાં ભારે અશાંતિનો માહોલ છવાઇ ગયો છે અને તમામ કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી છે.
ઘટના એ બની હતી કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની કેબિનેટનું આજે મતદાન યોજાયું હતું. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મુઇઝ્ઝુની કેબિનેટમાં અમુક એવા મંત્રીઓ છે કે જેઓ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા છે. આ બાબતે ઉગ્ર વિવાદ થયો અને વિપક્ષના સાંસદોને ગૃહની બહાર જ રોકી અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જેને પગલે વિપક્ષે બળપૂર્વક સંસદની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા તેમની સાથે ઝપાઝપી થઇ.
માલદીવ્સના ઘણા વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુને તાનાશાહ ગણાવ્યા છે, ખાસ કરીને મુઇઝ્ઝુની પ્રો-ચાઇના નીતિને કારણે વિપક્ષમાંથી તેમનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સંસદની આ ઘટના બાદ માલદીવ્સમાં રાજકીય તણાવ વધી ગયો છે, અને કેબિનેટનું મતદાન અટકતા મંજૂરીમાં વધુ વિલંબ થઇ રહ્યો છે.