લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…

લોસ એન્જલસ: યુનાઈટેડ સ્ટેટ્સની ફેડરલ એજન્સીઓએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરુ કરતા કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ (Demonstrations in Los Angeles) રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની છે. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણની ઘણી ઘટનાઓ બની હતી. પ્રદર્શનકારીઓએ શહેરના એક એપલના શોરૂમમાં લૂંટ ચલાવી હતી. લોસ એન્જલસના ઘણા ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં માસ્ક પહેરેલા કેટલાક લોકો એપલ સ્ટોરમાં ઘૂસીને લૂંટ ચલાવતા જોવા (Loot in Apple Store) મળે છે. પોલીસ આવતાની સાથે જ ઘણા લોકો ભાગી છૂટ્યા હતાં.
શહેરમાં કર્ફ્યું લાગુ:
પ્રદર્શનકારીઓએ શહેરના સંખ્યાબંધ ગાડીઓને આગ ચાંપી દીધી હતી. શહેરમાં તનાવપૂર્ણ સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. ઘણા દિવસો સુધી આ કર્ફ્યું લાગુ રહી શકે છે.
કરેન બાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં હિંસાને વખોડી કાઢી છે. તેમણે લખ્યું, “હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે ડાઉનટાઉનમાં તોડફોડ કરનાર અથવા દુકાનોમાં લૂંટ ચલાવનાર કોઈપણ વ્યક્તિને ઇમિગ્રન્ટ સમુદાયોની ચિંતા નથી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

ટ્રમ્પ અને ગવર્નર વચ્ચે મતભેદ:
હિંસક પ્રદશનોએ ડામવા માટે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે લોસ એન્જલસમાં વધુ 2000 નેશનલ ગાર્ડ્સ અને 700 મરીન્સને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. શહેરમાં 2000 નેશનલ ગાર્ડ્સ પહેલાથી જ તૈનાત છે. ટ્રમ્પના આ પગલાનો કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ સખત વિરોધ કરી રહ્યા છે. ગેવિનના કહ્યા મુજબ કેલિફોર્નિયાના ગવર્નરની સત્તા છીનવી લેવામાં આવી છે.