લોસ એન્જલસમાં રહસ્યમય વિસ્ફોટ: બોમ્બ સ્કવોડના 3 જવાનના મોત, FBIએ શરૂ કરી તપાસ…

લોસ એન્જલસ: અમેરિકામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લોસ એન્જલસ શહેરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. જેને લઈને સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો. દુર્ઘટનાને પગલે ફાયર વિભાગ અને ફેડરલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વહેલી સવારે થયો વિસ્ફોટ
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોસ એન્જલસ શહેરમાં આવેલા ઈસ્ટર્ન એવન્યુના બિસ્કેલુઝ સેન્ટર તાલીમ એકેડેમી ખાતે ઉભેલા બોમ્બ સ્કવોડના વાહન પાસે સવારે 7.25 વાગ્યે વિસ્ફોટ થયો હતો. જેમાં લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ (LASD)ના ત્રણ ડેપ્યુટીઓના મોત થયા હતા. આ વિસ્ફોટના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
FBIએ શરૂ કરી તપાસ
દુર્ઘટનાની જાણ થતાની સાથે લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ અને ફેડરલ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એકેડમીને ખાલી કરાવી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના એક અકસ્માત એક વિચિત્ર અકસ્માત હોઈ શકે છે. પરંતુ એફબીઆઈએ આ અંગેના તમામ પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે.
એટર્ની જનરલે મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
કેલિફોર્નીયાના ગર્વનરે આ દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે, અને તમામ પ્રકારની મદદ કરવાની બાંયધરી આપી છે. અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીએ એક્સ પર જણાવ્યું હતું કે, “મેં હમણાં જ યુ.એસ. એટર્ની બિલ એસ્પ્લી સાથે લોસ એન્જલસમાં બિસ્કેલુઝ સેન્ટર તાલીમ એકેડેમીમાં બનેલી ભયાનક ઘટના વિશે વાત કરી છે, ઓછામાં ઓછા ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. અમારા ફેડરલ એજન્ટો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શેરિફના ડેપ્યુટીઓના પરિવારો માટે પ્રાર્થના.”