લંડન જતી ટ્રેનમાં છરી વડે હુમલો; 9 મુસાફરોને ગંભીર ઈજા, બે આરોપી ઝડપાયા…

લંડન: શનિવારે સાંજે યુનાઇટેડ કિંગડમના લંડન જઈ રહેલી ટ્રેનમાં કેમ્બ્રિજશાયર પાસે બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો, આ હુમલામાં નવ લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલિસે બે આરોપીઓનો ધરપકડ કરી છે.
કેમ્બ્રિજશાયર કોન્સ્ટેબ્યુલરીના જણાવ્યા મુજબ કે સ્થાનિક સમય મુજબ સાંજે 7:39 વાગ્યે તેમને એક કોલ મળ્યો હતો, જણાવવામાં આવ્યું કે ટ્રેનમાં અનેક લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આર્મ્ડ ફોર્સે હંટિંગ્ડન ખાતે ટ્રેનને રોકાવી હતી, જ્યાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
ટ્રેન રોકાયા બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (BTP) સાથે મળીને તપાસ કરી રહ્યા છે.
વડા પ્રધાનનું રીએક્શન:
યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ હુમલાને “ભયાનક” અને “ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યો. તેમણે X પર પર પોસ્ટ કરીને લખ્યું, “મારી સંવેદના તમામ અસરગ્રસ્ત લોકો સાથે છે, અને હું ઈમરજન્સી સર્વિસે કરેલી કાર્યવાહી માટે તેમનો આભાર માનું છું. આ વિસ્તારના તમામ લોકો પોલીસે આપેલી સલાહનું પાલન કરે.”
યુકેના ગૃહ સચિવ શબાના મહમૂદે લોકોને બિનજરૂરી અટકળો ટાળવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “મને તપાસ અંગે નિયમિત અપડેટ્સ મળી રહી છે,”
હુમલા બાદ લંડન નોર્થ ઇસ્ટર્ન રેલ્વે (LNER) ની સર્વિસ ખોરવાઈ ગઈ હતી. ઈમરજન્સી ઓપરેશન માટે હંટિંગ્ડન શહેર તરફ જતા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતાં.
અધિકારીઓએ હજુ સુધી ઈજાગ્રસ્તો સ્થિતિ અથવા હુમલા પાછળના હેતુ વિશે વિગતવાર જાણકારી આપી નથી.



