લંડનમાં હીથ્રો એરપોર્ટ પર પેપર સ્પ્રેથી હુમલો: મુસાફરોમાં અફડાતફડી, ફ્લાઇટ્સ પ્રભાવિત

લંડન: બ્રિટનના હીથ્રો એરપોર્ટ (Heathrow Airport) પર આજે સવારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, જ્યારે અનેક લોકો પર પેપર સ્પ્રે (Pepper Spray)થી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એક વ્યક્તિની હુમલાના આરોપસર ધરપકડ કરી લીધી હતી. આ હુમલાના કારણે એરપોર્ટ પર ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આ હુમલાને કારણે અમુક ફ્લાઈટ્સ સર્વિસ પ્રભાવિત થઈ હતી. મેટ્રોપોલિટન પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી નહોતી, જ્યારે અમુક લોકોને ઈજા પહોંચી હતી.
પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આ ઘટના ઝઘડાનો મામલો હોવાનું જણાય છે, જેમાં સામેલ વ્યક્તિઓ એકબીજાને ઓળખતા હતા. કેટલાક પુરુષોએ કથિત રીતે અન્ય કેટલાક લોકો પર પેપર સ્પ્રે છાંટ્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા ત્યાર બાદ હથિયારધારી પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને હુમલાના શકના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. તે વ્યક્તિ હાલ કસ્ટડીમાં છે અને અન્ય શંકાસ્પદોની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દેશ છોડવા આપ્યું અલ્ટીમેટમ, કહ્યું ગમે ત્યારે કરી શકે છે હુમલો
આ ઘટના ટર્મિનલ 3ની મલ્ટી-સ્ટોરી કાર પાર્કિંગમાં બની હતી, જેના કારણે ભારે અફડાતફડી મચી ગઈ અને ઘણી ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતાં મોડી પડી. હીથ્રો એરપોર્ટે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે ટર્મિનલ 3ની મલ્ટિ-સ્ટોરી કાર પાર્કિંગમાં કટોકટી સેવાઓ સાથે એક ઘટનાનો જવાબ આપી રહ્યા છીએ. મુસાફરોને વિનંતી છે કે તેઓ એરપોર્ટ પર વહેલા આવવા માટે વધારાનો સમય ફાળવે અને તેમની એરલાઈન પાસેથી વધુ માહિતી મેળવે. ઘાયલોને લંડન એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મેટ પોલીસના કમાન્ડર પીટર સ્ટીવન્સે આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રારંભિક તપાસના આધારે આ એકબીજાને ઓળખતા લોકો વચ્ચેનો ઝઘડો હતો, જે વધી ગયો અને તેમાં કેટલાક લોકો ઘાયલ થયા. અમે આને આતંકવાદી ઘટના નથી માની રહ્યા.
આ પણ વાંચો : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: એક પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ
અમારા અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને સવાર દરમિયાન હીથ્રો પર પોલીસની વધારાની તૈનાતી ચાલુ રહેશે. વિસ્તારમાં હાજર રહેલા લોકોના સહકાર બદલ આભાર.” આ ઘટનાએ એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળો પર મુસાફરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.



