લંડનમાં અમદાવાદવાળી: ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ, વીડિયો વાયરલ…

લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર રવિવારે સાંજે એક ગંભીર વિમાન દુર્ઘટના ઘટી છે. અમદાવાદ ફ્લાઈટ ક્રેશ દુર્ઘટનાની જેમ જ આ પ્લેન ઉડાન ભરતાની સાથે જ પડી ભાંગ્યું હતુ. આ ઘટનાથી એરપોર્ટ પર આકાશમાં ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાઈ, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મીડિયા અહેવાલોની જાણકારી પ્રમાણે, 13 જુલાઈ, 2025ના રોજ સાંજે લગભગ 4 વાગ્યે એસેક્સમાં આવેલા લંડન સાઉથ એન્ડ એરપોર્ટ પર આ દુર્ઘટના બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કિંગ એર B-200 વિમાન ઉડાન ભરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું. નેધરલેન્ડ્સ જઈ રહેલું એક નાનું યાત્રી જેટ ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું. વિમાનમાં આગ લાગી અને હવાઈ અડ્ડાના આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દેખાયા. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા છે.
પોલીસનું નિવેદન
એસેક્સ પોલીસે જણાવ્યું કે, “અમને સાંજે 4 વાગ્યાની આસપાસ 12 મીટર લાંબા વિમાનના ક્રેશની માહિતી મળી હતી.” પોલીસે ઉમેર્યું કે તેઓ ઘટનાસ્થળે તમામ ઈમરજન્સી સેવાઓ સાથે કામ કરી રહ્યા છે, અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે, જેથી બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે.
સ્થાનિક સાંસદની પ્રતિક્રિયા
સાઉથએન્ડ વેસ્ટના સાંસદ ડેવિન બર્ટને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે X પર લખ્યું, “સાઉથએન્ડ હવાઈ અડ્ડે બનેલી દુર્ઘટના વિશે મને જાણકારી મળી છે. કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઈમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો. મારી સંવેદનાઓ બધા અસરગ્રસ્ત લોકો સાથે છે.”
આગળની તપાસ
આ દુર્ઘટનાના કારણો હજુ સ્પષ્ટ થયા નથી. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ હવાઈ સુરક્ષાને લઈને ચિંતાઓ ઉભી કરી છે, અને સ્થાનિક વહીવટ તેના કારણોની તપાસમાં જોડાયું છે.