યહૂદી કાર્યકર્તાઓએ યુએસ સંસદમાં પ્રવેશીને પેલેસ્ટિનિયનોના નરસંહાર બંધ કરવા અપીલ કરી

યહૂદી કાર્યકર્તાઓએ યુએસ સંસદમાં પ્રવેશીને પેલેસ્ટિનિયનોના નરસંહાર બંધ કરવા અપીલ કરી

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષે લગભગ પાંચ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ હજુ સુધી યુદ્ધવિરામની કોઈ આશા દેખાઈ રહી નથી. દરમિયાન, પ્રગતિશીલ યહૂદી-અમેરિકન કાર્યકરોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલની અંદર પ્રદર્શન કર્યું હતું. તેમણે ગાઝામાં યુદ્ધવિરામ માટે અપીલ કરવા યુએસ કોંગ્રેસ પાસે માંગ કરી હતી.

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ નજીક યહૂદી સંગઠનો દ્વારા કલાકો સુધી આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો. સેંકડો પ્રદર્શનકારીઓ બુધવારે વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ જો બિડેનના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી હતી. પ્રદર્શનકારીઓ માંગ કરી હતી કે કોંગ્રેસે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરવી જોઈએ. જ્યુઈશ વોઈસ ફોર પીસ અનુસાર, હજારો અમેરિકન યહુદીઓએ સંસદની બહાર વિરોધ કર્યો, જ્યારે 350 થી વધુ લોકો કેપિટોલની અંદર દાખલ થયા હતા.

યહૂદી સંગઠને એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા 75 વર્ષથી ઈઝરાયેલ સરકાર પેલેસ્ટાઈનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રહી છે અને પેલેસ્ટિનિયન સમુદાયોનો સફાયો થઈ રહ્યો છે. હવે ગાઝામાં અમેરિકાના સંપૂર્ણ સમર્થનથી નરસંહાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી અમને યુદ્ધવિરામ અને ગાઝામાં પેલેસ્ટિનિયનોના નરસંહાર બંધ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે પાછા નહીં હટીએ.

પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી અને આ ઉપરાંત યુએસ કેપિટોલમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button