ઇન્ટરનેશનલ

જાપાનની ફેક્ટરીમાં ચાકુ વડે હુમલામાં 14 લોકો ઘાયલ: હુમલાખોરની ધરપકડ…

ટોક્યો: આજે શુક્રવારે સાંજે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના મિશિમા શહેરમાં આવેલી એક રબર ફેક્ટરીમાં એક શખ્સે ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં 14 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન લોકો પર પ્રવાહી પણ છાંટવામાં આવ્યું હતું, હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરને ફેક્ટરીમાંથી જ પકડી પાડવામાં આવ્યો છે.

જાપાનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ હુમલામાં 14 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ઘાયલોની સ્થિતિ અંગે હજુ જાણકારી આપવામાં આવી નથી. હુમલાખોરની ઓળખ અને હુમલા પાછળના હેતુ અંગે તાપસ કરવામાં આવી રહી છે.

યોકોહામા રબર કંપનીની મિશિમા શહેરમાં આવેલી ફેક્ટરીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, આ ફેક્ટરીમાં ટ્રક અને બસો માટે ટાયર બનાવવામાં આવે છે.

શાંત ગણાતા જાપાનમાં ગુનાખોરી વધી:
નોંધનીય છે કે જાપાનમાં મર્ડર રેટ ખુબ જ ઓછો છે અને બંદુક પર અત્યંત કડક કાયદાઓ છે. જાપાનમાં આવી હિંસક ઘટના દુર્લભ છે, છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઘટનાઓ બની રહી છે.

2022 માં ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની એક જાહેર સભામાં ગોળી મારીને હત્યા કરવમાં આવી હતી. 2023 માં ગોળીબાર અને છરા વડે થયેલા હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા, બાદમાં હુમલાખોરને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ વર્ષે મે મહિનામાં ટોક્યોના ટોડા-મે મેટ્રો સ્ટેશન પર છરી વડે હુમલો થયો હતો, જેમાં 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button