હિઝબુલ્લાહને કચડી નાખવાની ઇઝરાયલની TIT ફોર TAT યોજના
જ્યાંથી ટેન્ક વિરોધી મિસાઇલ છોડાયા, ત્યાં જ કરી રહ્યું છે બોમ્બ હુમલા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલો છોડી રહ્યું છે. હિઝબુલ્લાહના લડવૈયાઓએ બુધવારે લેબનીઝ તરફથી ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં, ઇઝરાયલની સેનાએ TIT ફોર TAT રીતે જવાબ આપ્યો હતો અને હિઝબુલ્લાહના લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો હતો. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે કબૂલ્યું છે કે બુધવારે દક્ષિણ લેબનોનમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં સંગઠનના બે સભ્યો માર્યા ગયા હતા.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલને ચેતવણી આપી છે કે IDFએ ત્રીજા મોરચે યુદ્ધ શરૂ ન કરવું જોઈએ. અમેરિકાએ ઈઝરાયલને અપીલ કરી છે કે તે હિઝબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ન કરે. અમેરિકાએ હિઝબુલ્લાહ અને ઈરાનને ઈઝરાયલની ઉત્તરીય સરહદ પર યુદ્ધ ન શરૂ કરવાની ચેતવણી આપી છે. યુએસએ જણાવે છે કે તે હાલમાં ગાઝાથી આગળ વધી રહેલા યુદ્ધને રોકવા માટે કામ કરી રહ્યું છે અને તેનું માનવું છે કે લેબનોનમાં IDF દ્વારા સંભવિત કોઇ પણ ભૂલ વધુ મોટા યુદ્ધ તરફ દોરી શકે છે.
હમાસના ઇઝરાયલ પરના હુમલા બાદ હિઝબુલ્લાહએ ઇઝરાયલી લશ્કરી લક્ષ્યો અને ઇઝરાયલી શહેરો પર ડઝનેક એન્ટી-ટેન્ક માર્ગદર્શિત મિસાઇલો, ડ્રોન, રોકેટ અને મોર્ટાર છોડ્યા છે. આ સિવાય ઈઝરાયલમાં ઘૂસણખોરી કરવા માટે તેણે ઘણા લડવૈયાઓ પણ મોકલ્યા છે.
હાલમાં તો ઇઝરાયલની સેના હિઝબુલ્લાહના હુમલા સામે TIT ફોર TATની નીતિથી સંયમિત રીતે જવાબ આપી રહી છે, પણ જો તેમના તરફથી આવી જ રીતે ઉશ્કેરણી ચાલુ રહેશે તો ઇઝરાયલ સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે. બાઇડેન વહીવટીતંત્રે તાજેતરના દિવસોમાં સંકેત આપ્યા છે કે જો હિઝબુલ્લાહ ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરે છે, તો યુએસ સૈન્ય આતંકવાદી જૂથ સામે લડવામાં IDF સાથે જોડાશે. પેન્ટાગોને ઇઝરાયલના વિરોધીઓને રોકવા માટે ઇઝરાયલ નજીકના પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક જૂથોની જોડી મોકલી છે.