ઇન્ટરનેશનલ

વેસ્ટ બેંકમાં ઈઝરાયલી સેટલર્સનો આતંક; પેલેસ્ટિનિયન ગામોમાં આગ લગાવી, ઘરો-વાહનો ફૂંકી માર્યા!

તેલ આવીવ: ગાઝામાં નરસંહાર બાદ ઇઝરાયલ હવે પેલેસ્ટાઇનના વેસ્ટ બેંક વિસ્તાર પર દબાણ વધારી રહ્યું છે. એવા સોમાવરે વેસ્ટ બેંકમાં ઇઝરાયલની ગેરકાયદે વસાહતો(Settlements)માં રહેતા ડઝનબંધ ઇઝરાયલી નાગરિકો(Settlers)એ એક પેલેસ્ટિનિયન ગામ પર હુમલો કર્યો હતો, તેમણે પેલેસ્ટિનિયન નાગરીકોના વાહનો અને ઘરોને આગ ચાંપી દીધી હતી.

બેથલેહેમથી લગભગ 15 કિલોમીટરદક્ષિણપશ્ચિમમાં આવેલા પેલેસ્ટિનિયન ગામ જાબામાં માસ્ક પહેરેલા ઈઝરાયલી સેટલર્સે હુમલો કર્યો હતો, તેમણે ગામના કેટલાક ઘર અને વાહનોને આગ ચાંપી દીધી હતી. ગામલોકોએ મહામહેનતે આગ બુજાવી હતી, ગામ લોકોને ભારે નુકશાન પહોંચ્યું છે.

જાબા ગામના એક ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેપ્ચર થયેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે ડઝનબંધ માસ્ક પહેરેલા માણસો કારમાં બેસીને આવે છે અને ઘરમાં તોડફોડ શરુ કરે છે.

જાબા ગામના પ્રમુખ દિઆબ મશાલેહે સત્તાવાર પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી વાફાને જણાવ્યું કે, સોમવારે સેટલર્સે ગામ પર હુમલો કર્યો અને ત્રણ ઘરો અને ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ગામ લોકોને કોઈપણ ઈજા થઇ નથી, પરંતુ ઘરો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે.

નેતન્યાહૂએ હુમલાને વખોડ્યો:
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને વખોડી કાઢ્યો છે, તેમણે કહ્યું, “વેસ્ટબેંકમાં હુમલો કરનાર ઉગ્રવાદી જૂથ સેટલર્સનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ ગંભીર ઘટનાનો અંગે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવા સંબંધિત મંત્રીઓને બોલાવીશ અને આ મુદે વ્યક્તિગત રીતે ચર્ચા કરવા કરીશ.”

અહેવાલ મુજબ બેન્જામિન નેતન્યાહૂએ આ વાત સેટલમેન્ટના પ્રખર હિમાયતી, જમણેરી અતિવાદી રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વીરને સંબોધીને કરી હતી.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેટલર્સ દ્વારા ઉભા કરવામાં આવેલા કેટલાક ગેરકાયદેસર બાંધકામો ખાલી કરાવ્યા આવ્યા હતાં, ત્યાર બાદ ડઝનબંધ ઇઝરાયલી નાગરિકોએ જાબામાં આગ લગાવી અને ઘરો અને વાહનોમાં તોડફોડ કરી. IDF આ ઘટનામાં સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે.

વેસ્ટ બેંકમાં સેટલર્સનો વધતો આતંક:
ગત ગુરુવારે ઇઝરાયલી સેટલર્સે વેસ્ટ બેંકના દેઇર ઇસ્તિયા ગામની એક મસ્જિદમાં આગ ચાંપી દીધી હતી, ઇઝરાયલી સેટલર્સે ઇસ્લામિક ગ્રંથ કુરાનની નકલો પણ સળગાવી હતી. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઇ હતી, જેને કારણે ઇઝરાયલ સરકાર પર સેટલર્સ સામે કાર્યવાહી કરવા દબાણ વધ્યું હતું.

ગુરુવારે વેસ્ટ બેંકના બેટ ઉમ્મર શહેરમાં દરોડા દરમિયાન ઇઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં બે પેલેસ્ટિનિયન બાળકો માર્યા ગયા હતા.

સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સહાય એજન્સી OCHAના જણાવ્યા મુજબ, આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વેસ્ટ બેંકમાં સેટલર્સના હુમલાના 2,660 થી વધુ બનાવ બન્યા છે. હાલ ઓલીવના પાકની સીઝન ચાલી રહી છે એવામાં 1 ઓક્ટોબરથી પેલેસ્ટિનિયન લોકોના ઓલિવના ખેતરો પર સેટલર્સના હુમલાના 167 બનાવ બન્યા હતાં, આ હુમલાઓમાં 150 થી વધુ પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે, જ્યારે 5,700 થી વધુ ઓલિવના વૃક્ષોને પણ નુકસાન પહોંચ્યું છે. 14 પેલેસ્ટિનિયન નાગરીકોના મોત થયા છે.

આપણ વાંચો:  ગૂગલની ‘WeatherNext 2’ લૉન્ચ: હવે AI આપશે હવામાનની 99.9% સચોટ આગાહી!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button