ઇન્ટરનેશનલ

Israel Vs Hezbollah: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે જંગ, ૧૦૦થી વધુ લોકોના મોત

મુંબઈઃ ઈઝરાયલે આજે હિઝબુલ્લાહ પર જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો માર્યા ગયા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને ડોકટરોનો સમાવેશ થાય છે.

ઇઝરાયલની સેનાએ એક સાથે લેબનોનમાં હિઝબુલ્લાહની લગભગ ૩૦૦ જગ્યાઓ પર બોમ્બમારો કર્યો છે. આ સાથે લેબનોનમાં લોકોને તાત્કાલિક તેમના ઘર અને ઈમારતો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના દેશને ૮૦ હજારથી વધુ શંકાસ્પદ ઇઝરાયેલ કોલ મળ્યા છે. જેમાં સામાન્ય લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલનો આ હુમલો યુદ્ધની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પહેલા રવિવારે હિઝબુલ્લાએ ઈઝરાયલ પર જોરદાર હુમલા કર્યા હતા. એક અહેવાલ અનુસાર, હિઝબુલ્લાએ રવિવારે વહેલી સવારે ઉત્તરી ઇઝરાયેલમાં ૧૦૦થી વધુ રોકેટ, મિસાઇલ અને ડ્રોન છોડ્યા, ત્યારબાદ ત્યાં અરાજકતા ફેલાઇ ગઇ હતી. આ હુમલાઓ બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે હિઝબુલ્લાહ સતત તેમના લોકોને નિશાન બનાવી રહ્યું છે.

આપણ વાંચો: ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત

રવિવારે સવારે જેજેરેલ ખીણમાં ૧૪૦ થી વધુ રોકેટ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ પછી, હાઇફા, રમત ડેવિડ એરપોર્ટ, નાઝરેથ, અફુલા, લોઅર ગલીલ સહિત ઘણા સૈન્ય મથકો પાસે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

ઇઝરાયલની સેનાએ કહ્યું,”હિઝબુલ્લાહનો આતંકવાદ અમારા નાગરિકોને નિશાન બનાવી રહ્યો છે. હજારો ઇઝરાયલીઓએ આશ્રયસ્થાનોમાં છુપાઇને તેમની રાતો વિતાવી છે. તેમના માથા ઉપરથી રોકેટની વર્ષા થઈ રહી હતી. કેટલાક તેમના ઘર પર પણ પડ્યા છે. રોકેટ એલર્ટ સાયરન આખી રાત સતત વાગી રહ્યા હતા.”

૧૭ સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર બ્લાસ્ટથી જે શરૂ થયું હતું તે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગયું છે. ઈઝરાયલ માત્ર ડ્રોન જ નહીં પરંતુ ફાઈટર જેટથી પણ પાયમાલી મચાવી રહ્યું છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના આ હુમલાઓ બાદ હવે યુદ્ધની આગ વધુ ભડકે તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button