ઈઝરાયલનો હિઝબુલ્લાહ પરના ‘પેજર’ હુમલો: તાઈવાનની કંપનીએ કર્યો મોટો દાવો
તાઇપેઇ: લેબેનોન અને સીરિયામાં હિઝબુલ્લાહના કમ્યુનિકેશન નેટવર્ક પર એક ઇઝરાયલી ઓપરેશન હેઠળ મંગળવારે પેજરમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. પેજર બનાવનારી તાઇવાનની કંપનીએ ખુલાસો કર્યો હતો કે જે પેજરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે તે હંગેરીની એક કંપનીએ બનાવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા જેમાં બે બાળકોનો સામેલ છે અને લગભગ 3000 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ લેબેનોન અને સીરિયામાં એક સાથે થયો હતો.
હિઝબુલ્લાહ અને લેબેનોનની સરકારે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. રિપોર્ટ અનુસાર, આ એક આધુનિક રિમોટ ઓપરેશન હતું, જેમાં પેજરમાં છૂપાવાયેલા વિસ્ફોટકોને એક સાથે એક્ટિવ કરાયા હતા. નામ ન આપવાની શરતે અમેરિકાના એક અધિકારીએ કહ્યું હતું કે ઇઝરાયલે હુમલા પછી અમેરિકાને જાણકારી આપી હતી.
અધિકારીએ કહ્યું હતું કે પેજરમાં નાના વિસ્ફોટકોને રિમોટ મારફતે ઓપરેટ કરાયા હતા. આ હુમલો હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયલની સતત ચાલી રહેલી ગતિવિધિઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ હિઝબુલ્લાહના નેટવર્કને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
આ પણ વાંચો: મંકીપોક્સનો ફફડાટઃ યુએઈથી કેરળ આવેલા નાગરિકમાં જોવા મળ્યા લક્ષણો, તપાસ ચાલુ
જે પેજરમાં લેબેનોન અને સીરિયામાં વિસ્ફોટ થયો હતો જેને બનાવનારી તાઇવાનની કંપની ગોલ્ડ એપોલોએ કહ્યું હતું કે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં આવેલી એક કંપનીએ આ પેજરનું નિર્માણ કર્યું છે. જેને પેજર પર તેમના સત્તાવાર બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે.
પેજરમાં ઓછા પ્રમાણમાં વિસ્ફોટક છૂપાવીને રાખવામાં આવ્યા હતા અને તેમાં વિસ્ફોટ કરાયો હતો. ગોલ્ડ એપોલોએ એક નિવેદનમાં કહ્યું હતું કે એઆર 924 પેજરનુ નિર્માણ બીએસી કન્સલ્ટિંગ કેએફટીએ કર્યું હતું, જે હંગેરીની રાજધાનીમાં સ્થિત છે.
વધુમાં તાઇવાનની કંપનીએ કહ્યું હતું કે કરાર અનુસાર અમે લેબેનોન અને સીરિયામાં પ્રોડક્ટના વેચાણ માટે અમારા બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે પરંતુ ઉત્પાદન માટે ફક્ત બીએસી જવાબદાર છે.