ઇઝરાયલ ગાઝાની હોસ્પિટલોને નિશાના બનાવી રહ્યું છે! ગાઝામાં 3300થી વધુ બાળકોના મોતનો દાવો
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 23મો દિવસ છે. ઈઝરાયલની સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. સોમવારે વહેલી સવારે ઇઝરાયલે ઉત્તરી ગાઝાની બે મોટી હોસ્પિટલોની આસપાસ હવાઈ અને જમીની હુમલાઓનો કર્યા હોવાનો દાવો હમાસે કર્યો હતો. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીના ઉત્તરીય ભાગમાં પહોંચી ગઈ છે, તેનો દાવો છે કે હમાસના સભ્યો ત્યાં છુપાયેલા છે. ગાઝા પટ્ટીમાં તબીબી અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે 3,324 સગીરો સહિત 8,00૦ લોકો માર્યા ગયા છે.
ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીના વિસ્તારોમાં ટેન્ક સાથે હુમલો કરી રહી છે. પેલેસ્ટાઈનના લોકોની સુરક્ષા બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેલેસ્ટિનિયન મીડિયાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે ગાઝા સિટીમાં શિફા અને અલ-કુદ્સ હોસ્પિટલો નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, પેલેસ્ટિનિયનના લડવૈયાઓની ખાન યુનિસ શહેરની પૂર્વમાં સરહદ વિસ્તારમાં ઇઝરાયેલી દળો સાથે અથડામણ થઇ હતી.
આ લડાઈ અંગે હમાસ અથવા ઇઝરાયલી સૈન્ય તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલે પેલેસ્ટિનિયન એન્ક્લેવના પશ્ચિમ કાંઠે યુદ્ધ ટેન્કના ફોટા જાહેર કર્યાના કલાકો પછી બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા.
ઓનલાઈન પોસ્ટ કરાયેલા કેટલાક ફોટામાં ઈઝરાયલી સૈનિકો ગાઝાની અંદર ઈઝરાયલી ધ્વજ લહેરાવતા જોવા મળે છે. જોકે આ ફોટાની પુષ્ટિ થઇ નથી. ગાઝામાં આંશિક રીતે ફોન અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું છે.