Israel-Iran war: ખામેનીએ સેનાને સત્તા સોંપી, પરિવાર સાથે બંકરમાં છુપાયા…

તેહરાન: ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધુ (Israel-Iran War) વધ્યો છે, બંને પક્ષે મિસાઈલ અને ડ્રોન્સ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના સમર્થન સાથે ઇઝરાયલ ઈરાનના ન્યુક્લિયર અને મીલીટરી સ્થળો પર સતત રોકેટમારો કરી રહ્યું છે. અમેરિકાએ તાજેતરમાં ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવા, નહીં તો પરિણામ ભોગવવા ચેતવણી આપી હતી. એવામાં અહેવાલ છે કે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની(Ayatollah Ali Khamenei)એ ઇરાની સૈન્યની સુપ્રીમ કાઉન્સિલ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને મુખ્ય સત્તાઓ સોંપી દીધી છે.
યુએસએ તાજેતરમાં ધમકી આપી હતી કે ખામેનીની હાલત સદ્દામ હુસૈન જેવી થશે. એવામાં અહેવાલો વહેતા થયા છે કે, આયાતુલ્લાહ અલી ખામેનને તેના નજીકના પરિવારજનો સાથે ઉત્તરપૂર્વ તેહરાનમાં એક ભૂગર્ભ બંકરમાં છુપાવવામાં આવ્યા છે.

ઇઝરાયલ ખામેનીના જીવ પાછળ:
ઇઝરાયલી હવાઈ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર અલી શાદમાની સહિત અનેક ઈરાની લશ્કરી અધિકારીઓના મોત થયા હતાં, હવે ઇઝરાયલ ખામેનીની હત્યા કરવા ઈચ્છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ખામેનીના મોતથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ જશે.
અમેરિકાની ચેતવણી:
આજે વહેલી સવારે પણ ઇઝરાયલ અને ઈરાને એક બીજા પર મિસાઇલો છોડી હતી, ગઈ કાલે બુધવારે તણાવના છઠ્ઠા દિવસે પણ બંને પક્ષોએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને ચેતવણી આપી હતી કે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. જો અમેરિકા આ યુદ્ધમાં સીધી રીતે સામેલ થાય તો ઈરાન માટે મોટું જોખમ ઉભું થઇ શકે છે.

ગઈ કાલે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસ બરાબર જાણે છે કે ઈરાની સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે, જો કે તેમણે કહ્યું હતું કે હાલ માટે ઈરાનના નેતાને મારવાનો કોઈ ઈરાદો નથી.
આપણ વાંચો : ઈરાન બિનશરતી શરણે થાય: ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને આપી સીધી ધમકી