Israel-Hamas War: દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા ઇઝરાયેલ સંમત

ગાઝામાં ઇઝરાયલી સેના સતત નાગરીકો પર હુમલા કરી રહી છે, યુએન સહિય દુનિયા ભરના સંગઠનોએ યુદ્ધવિરામની અપીલ કરી છે. ઇઝરાયલે યુદ્ધવિરામ કરવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. એવામાં અમેરિકાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા માટે સંમત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે રાત્રે ઇઝરાયેલી આર્મી (IDF)એ ગાઝામાં અલ-શિફા હોસ્પિટલ સંકુલના એક યાર્ડ પર બોમ્બમારો કર્યો હતો. જેમાં જાનહાનિ થઇ છે. આ પહેલા ઈઝરાયલી દળોએ ગાઝા પટ્ટીના ઉત્તરમાં જ્યાં હમાસના યોદ્ધાઓ છુપાયેલા હતા તે વિસ્તાર પર ગોળીબાર કર્યો હતો. બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો હતો.
દરમિયાન, યુએનના માનવાધિકાર વડાએ ફરી યુદ્ધવિરામની હાકલ કરતા કહ્યું કે બંને પક્ષોએ એક મહિનામાં અનેક યુદ્ધ અપરાધો(વોર ક્રાઈમ) કર્યા છે. ગાઝા શહેરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી ટેન્કોએ શહેરને ઘેરી લીધું છે. ઇઝરાયલી સૈનિકો બે હોસ્પિટલોની નજીક જતા જોવા મળ્યા હતા જ્યાં હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયન આશ્રય લઇ રહ્યા છે. ઇઝરાયલે ગાઝામાં જીવન જરૂરીયાતની વસ્તુઓનો પુરવઠો કાપી નાખ્યો છે, જેના કારણે પેલેસ્ટિનિયન નાગરિકોને દવાઓ, ખોરાક અને પાણી પણ મળી રહ્યું નથી.
બીજી બાજુ, ફ્રાન્સમાં 80 દેશો અને સંગઠનોએ ગાઝામાં માનવતાવાદી સહાયનું સંકલન કરવાના માર્ગો અંગે બેઠક યોજી હતી. બેઠકમાં ગાઝામાં ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
યુએસની સલાહ બાદ ઇઝરાયેલ માનવતાના ધોરણે ઉત્તર ગાઝામાં હમાસ પરના હુમલાને દિવસમાં ચાર કલાક માટે રોકવા માટે સંમત થયું હતું. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેમણે નાગરિકોને યુદ્ધથી બચાવવા માટે વિકલ્પોની શોધ કરી છે. રાષ્ટ્રપતિ બાઈડેને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધમાં દૈનિક વિરામ માટે કહ્યું હતું
અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે દોહામાં ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના વડા અને કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાની સાથે મુલાકાત કરી અને હમાસના બંધકોને છોડાવવા અંગે ચર્ચા કરી હતી.