ઈઝરાયલે ફરી ગાઝામાં શરણાર્થી શિબિરને નિશાન બનાવી, 50થી વધુ નાગરીકોના મોત
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરે માગ ઉઠી રહી છે, ત્યારે ઇઝરાયલની સેના ગાઝા વિસ્તારમાં વધુ ઘાતક હુમલાઓ કરી રહી છે, ઇઝરાયલ શરણાર્થી શિબિરો પર પર હુમલા કરી રહ્યું છે જેમાં સામાન્ય લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ઈઝરાયલે ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 50 લોકો મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી આ હુમલા બાબતે ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ઈજિપ્તે ઈઝરાયલના હવાઈ હુમલાઓને અમાનવીય ગણાવ્યા હતા. ઇજિપ્તે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઇઝરાયલ હોસ્પિટલો, શરણાર્થી શિબિરો પર હુમલો કરે છે. ઇજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયેલના હુમલા રોકવા અને ગાઝાના રહેવાસીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે વિનંતી કરી હતી. ઈજીપ્ત ઉપરાંત જોર્ડને પણ ઈઝરાયેલના હુમલાની સખત નિંદા કરી હતી. તે જ સમયે, સાઉદી અરેબિયાએ કહ્યું કે ઇઝરાયેલના સુરક્ષા દળો વારંવાર એવા વિસ્તારોમાં હુમલો કરી રહ્યા છે જ્યાં નાગરિકો હોય, આ યોગ્ય નથી.
ઈઝરાયલે શરણાર્થી શિબિર પર હુમલામાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનના કમાન્ડર ઈબ્રાહિમ બિયારીને મારી ઠાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. જયારે હમાસનું કહેવું છે કે તેનો કોઈ નેતા કેમ્પમાં હાજર નહોતો. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી અત્યાર સુધી 8,525 લોકોના મોત થયા છે મૃતકોમાં 3,542 બાળકો અને 2,187 મહિલાઓનો અપન સમાવેશ થાય છે.
બીજી તરફ હમાસના આતંકવાદીઓએ ગાઝામાં ઈઝરાયલી સેનાના જવાનોને પણ માર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝામાં હમાસના હુમલાને કારણે ઇઝરાયલના બે જવાનોના મોત થયા છે. બંને સૈનિકો માત્ર 20 વર્ષના હતા. ઈઝરાયેલના લોકોએ અપહરણ અને હત્યાઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.