ઇરાની સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિને આપી ધમકી, ટ્રમ્પે ધમકી પર હાંસી ઉડાવી

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ વિશ્વના અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો કે, સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ ધમકીને મજાકમાં લીધી છે. ઈરાને ધમકી આપી હતી કે, ‘ટ્રમ્પ હવે તેમના ફ્લોરિડા ઘરમાં પણ સુરક્ષિત નથી અને કોઈપણ ઈરાની ડ્રોન તેમને નિશાન બનાવી શકે છે’. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
ફ્લોરિડા સ્થિત ઘર માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથીઃ જવાદ લારીજાની
આયાતુલ્લાહ અલી ખામેનીના સલાહકાર જવાદ લારીજાનીએ ઈરાની ટીવી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ધમકી આપતા કહ્યું કે, ‘તેઓ હવે તેમના ફ્લોરિડા સ્થિત ઘર માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી. ટ્રમ્પે કેટલાક એવા કામ કર્યા છે કે હવે તેઓ તેમના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાન માર-એ-લાગોમાં સૂર્યસ્નાન પણ કરી શકતા નથી. જ્યારે તેઓ તડકામાં પેટના બળે સૂતા હશે, ત્યારે એક નાનું ડ્રોન આવીને તેમના પર પડી શકે છે. આ ખૂબ જ સરળ છે. નાના ડ્રોનથી તડકામાં સૂતા અમેરિકન રાષ્ટ્રપતિ પર હુમલો કરવો સરળ બનશે’.
જવાદ લારીજાની ધમકીને ડોનાલ્ડ ટ્રમ્પ મજાકમાં લઈ રહ્યા છે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘ઘણો સમય થઈ ગયો, મને ખબર નથી, કદાચ હું સાત વર્ષનો હતો. મને સૂર્યસ્નાન કરવામાં રસ નથી.’ તેણે ઉમેર્યું: ‘હા, મને લાગે છે કે તે ખતરો છે, મને ખાતરી નથી કે તે ખરેખર ખતરનાક છે કે નહીં, પણ તે કદાચ છે.’ ઇરાન દ્વારા આપવામાં આવેલી ધમકીને ટ્રમ્પ મજાકમાં લઈ રહ્યાં છે. કારણે કે અમેરિકાનું માનવું છે કે, તેમના પર હુમલો કરવો શક્ય નથી. જો કે, જવાદ લારીજાની એવું માને છે કે, ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની 2020 માં યુએસ હુમલામાં માર્યા ગયા હતા તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ જવાબદાર છે.
આપણ વાંચો: ટ્રમ્પની નવી ટેરિફ યાદી જાહેર; અમેરિકાએ 20 દેશોને પાઠવ્યા ટેરિફ પત્રો, ભારતને મળી રાહત
અમેરિકાની સુરક્ષા એજન્સીઓ ઈરાનની ધમકીને ગંભીર માને છે
એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાની ધર્મગુરુઓએ મુસ્લિમોને 12 દિવસના સંઘર્ષ દરમિયાન ખામેનીના જીવનને જોખમમાં મૂકવા બદલ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યા કરવા હાકલ કરી હતી. હવે ટ્રમ્પ પર હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની સુરક્ષા એજન્સીઓ આ ધમકીને ગંભીર માની રહી છે, અને રાષ્ટ્રપતિની સુરક્ષામાં પણ વધારો કરી દીધો છે.