Iran Vs Israel: નેતન્યાહુનો ‘વિજય’નો દાવો, ઇરાનના પરમાણુ મથકો ધ્વસ્ત!

જેરુસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ૧૨ દિવસ સુધી ચાલેલા ઓપરેશન અમ કલાવીએ ઇતિહાસ રચ્યો હોવાની ઘોષણા કરી હતી. આ અભિયાનમાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો, નતાન્ઝ ઇસ્ફહાન અને અરાક પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બેલિસ્ટિક મિસાઇલ ઉત્પાદન કેન્દ્રો અને ડેપો પર હુમલો કરવામાં આવ્યો હતો.
નેતન્યાહુએ જેને પેઢીઓ સુધી યાદ રહેશે એવી જીત ગણાવી હતી. બેન્જામીન નેતન્યાહુએ કહ્યું કે જો આપણે ઇરાન સામે કાર્યવાહી ન કરી હોત તો ઇઝરાયલએ ટૂંક સમયમાં વિનાશના ખતરાનો સામનો કરવો પડત. જો કે છેલ્લી ક્ષણે આપણે સિંહની જેમ ઉઠ્યા. આપણે સિંહની જેમ ઉભા થયા. આપણી ગર્જનાએ તહેરાનને હચમચાવી દીધું અને સમગ્ર વિશ્વમાં ગુંજી રહી.
નેતન્યાહુએ પરમાણુ માળખાનો સંપૂર્ણપણે નાશ કરવાનો દાવો કરતાં જણાવ્યું કે આપણે ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકોનો ખાત્મો કર્યો પ્રયોગશાળાઓનો નાશ કર્યો. મોસાદની મદદથી લાવવામાં આવેલા ગુપ્ત દસ્તાવેજો વર્ષો પહેલા વિશ્વને ઇરાનના ઇરાદાઓનો સંકેત આપી ચૂક્યા હતા. હવે બધી પરમાણુ વિકાસ ક્ષમતા સંપૂર્ણપણે નાશ પામી છે. તેમણે વધુમાં કહ્યું કે ઇરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો નહીં હોય. આ અમારો દ્રઢ સંકલ્પ છે.
આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી પણ ઈરાનની ઇઝરાયલ સાથે દુશ્મની યથાવતઃ ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન કર્યું જાહેર…
નેતન્યાહુએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમનો આભાર માનતા કહ્યું કે અમેરિકાએ માત્ર રક્ષણાત્મક જ નહીં પરંતુ આક્રમક ભૂમિકા પણ ભજવી. અમેરિકન સેનાએ ફોર્ડો ન્યુક્લિયર સેન્ટર સુવિધા પર હુમલો કર્યો હતો.
નેતન્યાહુના જણાવ્યા અનુસાર ૨૦૦૦ બેલિસ્ટિક મિસાઇલોનો ખતરો હવે રહ્યો નથી. ડઝનબંધ મિસાઇલ ફેક્ટરીઓ, લોન્ચ સાઇટ્સ અને સ્ટોરેજ હાઉસનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે. ઘણી મિસાઇલોને લોન્ચિંગની થોડી મિનિટો પહેલા જ નષ્ટ કરી દેવામાં આવી હતી.
વડા પ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું કે ઇરાનના સેંકડો રિવોલ્યુશનરી ગાર્ડ અને શાસન સમર્થકોને આ ઓપરેશનમાં મારી નાખવામાં આવ્યા છે. સરકારી મુખ્યાલય, બસીઝ અડ્ડા અને શાસનના પ્રતીકોનો નાશ કરવામાં આવ્યો છે. ત્રણ ચીફ ઓફ સ્ટાફ અને પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક માર્યા ગયા છે. આ તહેરાનના ઇતિહાસમાં સૌથી મોટો ફટકો છે.