હવે ભારતીયોને આ દેશમાં ‘વિઝા ફ્રી એન્ટ્રી’ નહીં મળે! આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

તેહરાન: ભારતીયોને હવે ઈરાનમાં વિઝા વગર પ્રવેશ નહીં મળે, ઇરાને સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટે મળતી વિઝા વેઇવરની સુવિધા સસ્પેન્ડ કરી છે. ભારતીય નાગરિકોને રોજગાર આપવાના ખોટા વચનો આપીને કે અન્ય દેશોમાં પ્રવેશવા માટે ઈરાન લાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને કારણે ઈરાને આ નિર્ણય લીધો છે.
ઈરાનના વિદેશ મંત્રાલયને જણાવ્યા મુજબ કે ઘણી ઘટનાઓ તરફ સરકારનું ધ્યાન ગયું છે જેમાં ભારતીય નાગરિકોને નોકરી આપવાના બહાને ઈરાનમાં લાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વિઝા માફી સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. બાદમાં આ લોકોને બંધક બનાવીને ખંડણી માંગવામાં આવે છે. અન્ય કોઈ દેશમાં ઘુસવા માટે પણ ઈરાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ઈરાની સરકારે સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા માફી સુવિધા સ્થગિત કરી દીધી છે, આ નિર્ણય 22 નવેમ્બર, 2025 થી લાગુ થશે. ભારતીય નાગરિકોને ઈરાનમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે.
મંત્રાલયે ઈરાનની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ભારતીય નાગરિકોનેસલાહ આપી છે કે તેઓ સતર્ક રહે અને ઈરાનમાં વિઝા વગર મુસાફરીની લાલચ આપતા એજન્ટોથી દૂર રહે.
ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે ઈરાનમાં ભારતીયોનું અપહરણ કરવા માટે નોકરીની નકલી ઓફરના આપવાના કિસ્સાઓ નોંધાયા છે. ઈરાન પહોંચ્યા પછી, ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવે છે અને પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવે છે.
ગયા મહિને જ ગુજરાતના ચાર લોકોને તેહરાનમાં બંધક બનાવવાની ઘટના બની હતી, જો કે બાદમાં તમામ ઘરે સલામત પરત ફર્યા હતાં.
આ પણ વાંચો…‘ટ્રેનીંગ આપો અને ઘરે જાઓ’, H-1B વિઝા પોલિસીમાં ફેરફાર; ભારતીય IT પ્રોફેશનલ્સ પર થશે અસર



