Video: બેંગકોકમાં ભારતીય પ્રવાસીએ નશો કરી ઉપદ્રવ મચાવ્યો; પિસ્તોલ આકારના લાઇટરથી લોકોને ડરાવ્યા

બેંગકોક: દર વર્ષે હજારો ભારતીયો દુનિયાભરના દેશોમાં ફરવા જાય છે, એવામાં કેટલાક પ્રવાસીઓના ગેરવર્તનને કારણે ભારતની છબી ખરડાતી હોય છે. હાલ સોશિયલ મીડિયા પર થાઈલેન્ડના પાટનગર બેંગકોકનો એક વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભારતીય પ્રવાસી જાહેરમાં ઉપદ્રવ મચાવતો જોવા મળે છે.
ભારતીય પ્રવાસીએ પસાર થઇ રહેલા લોકોને અપશબ્દો કહ્યા હતાં અને પિસ્તોલ આકારના લાઇટર વડે લોકો ધમકી આપી હતી, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે કાર્યવાહી ભારતીય પ્રવાસીની ધરપકડ કરી છે.
લોકોમાં ગભરાટ:
એહવાલ મુજબ સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ નોવોટેલ હોટલની સામે સિયામ સ્ક્વેરમાં આ ઘટના બની હતી. 41 વર્ષીય ભારતીય પ્રવાસી સાહિલ રામ થડાની રસ્તા પર નાચતો અને પસાર થતા લોકોને ગાળો આપતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રસ્તા પરથી પસાર થતા લોકોને બંદૂક આકારનું લાઈટર બતાવીને ડરાવી રહ્યો છે.
સિક્યોરિટી ગાર્ડસે પકડી પાડ્યો:
વાયરલ થઇ રહેલી વિડીયો ક્લિપના બીજા ભાગમાં જોવા મળે છે કે પ્રવાસી પણ જમીન પર બેઠેલો છે અને સિક્યોરિટી ગાર્ડસે તેને પકડી રાખ્યો છે. સિક્યોરિટી ગાર્ડસ તેને શાંતિ રાખવા કહી રહ્યા છે પણ તે બુમો પડી રહ્યો છે અને પોલીસને બોલાવવા કહી રહ્યો છે. સિક્યોરિટી ગાર્ડસને તેને પકડીને જમીન પર સુવડાવવાની ફરજ પડે છે, આખરે તેના વર્તન માટે માફી માંગે છે.
પ્રવાસીએ નશો કર્યો હતો:
નજીકમાં આવેલા પથુમ વાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પ્રવાસી પાસે બંદૂક નહોતી પરંતુ પિસ્તોલ આકારનું લાઇટર હતું. તેના પર ધમકી આપવા અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાંજાના સેવનને કારણે પ્રવાસી પોતાના પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને જાહેરમાં આવું વર્તન કર્યું હતું.
ત્રણ કંપનીઓનો પૂર્વ ડિરેક્ટર:
અહેવાલ મુજબ પ્રવાસી અગાઉ ભારતમાં ત્રણ કંપનીઓનો ડિરેક્ટર હતો, આ તમામ કંપનીઓ હાલ બંધ થઇ ગઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે તે થાઈલેન્ડમાં કેટલા સમયથી રહી રહ્યો હતો અને અગાઉ તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતો કે નહીં.