ઇન્ડોનેશિયાની મસ્જિદમાં શ્રેણીબદ્ધ ધડાકા: ૫૫ લોકો ઘાયલ, વિદ્યાર્થીઓ વધુ ભોગ બન્યાં

જકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક હાઇસ્કૂલની મસ્જિદમાં અનેક વિસ્ફોટો થયા હતા. જેમાં ૫૫ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ વિસ્ફોટો આતંકવાદી હુમલો હોવાની અટકળોને ફગાવી દેતા પોલીસે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક ટેલિવિઝન સ્ટેશનનોને જણાવ્યું કે તેમણે બપોરના સમયે મસ્જિદની અંદર અને બહાર ઓછામાં ઓછા બે જોરદાર વિસ્ફોટો સાંભળ્યા હતા. જ્યારે જકાર્તાના ઉત્તર કેલાપા ગેડિંગ વિસ્તારમાં આવેલા એક નૌકાદળના પરિસરમાં આવેલી સરકારી હાઇસ્કૂલ એસએમએ ૨૭ ખાતે આવેલી મસ્જિદમાં ઉપદેશ શરૂ થયો હતો. મસ્જિદમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભયના માર્યાં બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : અફઘાન વિદેશ પ્રધાનના ભારત પ્રવાસ વચ્ચે કાબુલમાં બોમ્બ ધડાકા, ‘પાક. એરસ્ટ્રાઈકની’ આશંકાથી તણાવ વધ્યો
મોટા ભાગના પીડિતોને કાચના ટુકડા અને દાઝી જવાથી નાની-મોટી ઇજાઓ થઇ હતી. જકાર્તા પોલીસ વડા એસેપ એડી સુહેરીના જણાવ્યા અનુસાર વિસ્ફોટોનું તાત્કાલિક કારણ જાણી શકાયું નથી. પરંતુ ધડાકાના અવાજ મસ્જિદના લાઉડસ્પીકર નજીકથી આવ્યા હતા.
પોલીસ વડાએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલાકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ ૨૦ વિદ્યાર્થીઓ હજુ પણ દાઝી જવાને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચો : પાકિસ્તાન ફરી આતંકવાદીઓના નિશાન પરઃ બોમ્બ ધડાકામાં નવનાં મોત
વિદ્યાર્થીઓના પરિવારજનો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે યારસી અને સેમ્પાકા પુતિહ હોસ્પિટલોમાં સ્થાપિત કેન્દ્રો પર એકત્ર થયા હતા. માતા-પિતાએ ટેલિવિઝન સ્ટેશનોને જણાવ્યું કે તેમના બાળકોને માથા, પગ અને હાથના ભાગે તીક્ષ્ણ ખીલીઓ અને વિસ્ફોટકોના ટુકડાથી ઇજાઓ પહોંચી હતી.



