યુએસમાં નોકરી ગુમાવે તો આટલા ટકા ભારતીયો બિસ્તરાં-પોટલાં બાંધી વતન ફરવા તૈયાર; સર્વેમાં ખુલાસો

છેલ્લા ઘણા સમયથી યુએસની કંપનીઓ કર્મચારીઓની મોટી સંખ્યામાં છટણી કરી રહી છે, જેને કારણે ત્યાં કામ કરતા ભારતીય મૂળના લોકોને પણ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સવાલ થાય થાય છે કે નોકરી ગુમાવ્યા બાદ તેઓ યુએસમાં બીજી નોકરી શોધી લે છે કે ભારત પરત ફરે છે. હાલ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં યુએસમાં H-1B અથવા L-1 વિઝા સાથે કામ કરતા ભારતીયોને પૂછવામાં આવ્યું કે જો તેનો નોકરી ગુમાવે તો તેઓ ક્યા જશે? સર્વેમાં ખુબ જ રસપ્રદ તારણો મળ્યા.
સર્વેના તારણો મુજબ યુએસમાં કામ કરતા 45 ટકા ભારતીયોએ જણાવ્યું કે જો તેઓ નોકરી ગુમાવે તો તેઓ ભારત પરત ફરવાનું પસંદ કરશે, જ્યારે બાકીના 55 ટકા લોકો ભારત પરત ફરવા તૈયાર નથી. 26 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ યુએસથી ભારત સિવાય કોઈ અન્ય દેશમાં શિફ્ટ થશે, જ્યારે 29 ટકા લોકો કહ્યું કે તેઓ આ વિષે કોઈ ચોક્કસ વિચાર ધરાવતા નથી.
એક એનોનીમસ કમ્યુનીટી એપ્લિકેશન બ્લાઇન્ડ પર વેરીફાઇડ પ્રોફેશનલ્સ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. અમેરિકા છોડવા અંગે 25 ટકા લોકોને પગારમાં ઘટાડાની ચિંતા છે, જ્યારે 24 ટકાને નીચી લાઈફ ક્વોલીટી, 13 ટકાને કૌટુંબિક અને 10 ટકા લોકોને નોકરીની ઓછી તકોની ચિંતા છે.
બીજી વાર યુએસ વર્ક વિઝા મેળવશે?
સર્વે દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફરીથી યુએસ વર્ક વિઝા મેળવવાનું ઈચ્છશે, ત્યારે ફક્ત 35 ટકા લોકોએ તૈયારી બતાવી, બાકીના 38 ટકાએ ના પડી અને 27 ટકા લોકો આ અંગે સ્પષ્ટ ન હતાં. જે દર્શાવે છે કે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થવાના ભારતીયોના વલણમાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે.
ગ્રેસ પીરિયડ પહેલા ડીપોર્ટેશનની નોટીસ:
સર્વેમાં 35 ટકા લોકોએ કહ્યું કે કાં તો તેમને અથવા જેને તેઓ ઓળખતા હતાં એવા કોઈ વ્યક્તિને નોકરી ગુમાવ્યા પછી યુએસ છોડવું પડ્યું. સામાન્ય રીતે યુએસમાં H-1B વિઝા ધારકોને નોકરી ગુમાવ્યા બાદ 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવતો હોય છે, ત્યાર બાદ ડીપોર્ટેશનની નોટીસ આપવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પિરીયડ પૂરો થાય એ પહેલા જ નોટીસ આપવાના કેસોમાં વધારો નોંધાયો છે.
સર્વેમાં સામેલ થયેલા છમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમને અથવા તેમના કોઈ પરિચિતને નોકરી ગુમાવ્યાના એક અઠવાડિયામાં જ નોટિસ ટુ અપિયર (NTA) મળી ગઈ છે.
યુએસના ઇમિગ્રેશન વકીલો હવે નોકરી પૂરી થયા પછી શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે, નહીં તો તમના પર યુએસ તરફથી કાયમી પ્રતિબંધ લાગી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’કેમ્પેઈન હેઠળ અમેરિકન કંપનીઓમાં અમેરિકનોને કરી આપવા દબાણ વધારી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારતીયોની ભરતી બંધ કરવા પણ અપીલ કરી હતી, જેને કારને યુએસમાં કામ કરતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે.
આપણ વાંચો: અમેરિકનો દારૂથી મોઢું ફેરવી રહ્યા છે! પીનારાની ટકાવારી 86 વર્ષમાં સૌથી ઓછી, જાણો શું છે કારણ