અમેરિકામાં ભારતીયો કેટલા સુરક્ષિત? છેલ્લા 15 દિવસમાં બીજા એક ભારતીયની હત્યા…

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવકની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ બીજા યુવકની હત્યા થઈ છે. મળતી વિગતો પ્રમાણે તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી ચંદ્રશેખર પોલની અમેરિકાના ડલ્લાસમાં લૂંટારુઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ચંદ્રશેખર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. પરંતુ અમેરિકામાં તેના સપનાઓ ચકનાચૂર થઈ ગયાં છે.
ડલ્લાસમાં લૂંટારુઓએ ગોળી મારીને યુવકની હત્યા કરી
આ યુવકની હત્યા થઈ હોવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં પણ ભારે શોક જોવા મળ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ચંદ્રશેખરે હૈદરાબાદની એક કોલેજમાંથી ડેન્ટલ સર્જરીમાં બેચલરની ડિગ્રી મેળવી છે. વધારે ઉચ્ચ અભ્યાસ માટે તે અમેરિકાના ડલ્લાસ ગયો હતો, જ્યાં તે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો હતો અને ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા લૂંટારુઓએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.
ડલ્લાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ડલ્લાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પરિવાર માંગ કરી રહ્યો છે કે યુવાનના મૃતદેહને ભારત પરત લાવવામાં આવે. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેલંગાણા સીએમએ ખાતરી પણ આપી છે કે, મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે પાછો લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

15 દિવસ પહેલા પણ થઈ હતી એક ભારતીયની હત્યા
બીજી એક ઘટનાની વાત કરવામાં આવે તો, 15 દિવસ પહેલા અમેરિકાના કેલિફોર્નિયામાં પણ એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ તેલંગાણાના મહબૂબનગરના રહેવાસી મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ હતી. મહત્વની વાત એ છે કે, નિઝામુદ્દીન પણ 2016માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયો હતો. ત્યા ફ્લોરિડાની એક કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યા જ એક કંપનીમાં જોડાયો હતો. તેની પણ ક્રુરતા પૂર્વક ત્યા કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો…યુએસમાં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂરતાપૂર્વક હત્યા; માથું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું