ભારતીય મૂળના સબીહ ખાન બન્યા એપલના COO, જાણો મુરાદાબાદથી સિલિકોન વેલી સુધીની સફર

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકા બેઝ્ડ ટેક કંપનીઓમાં ભારતીય મૂળના લોકોનો ડંકો વાગી રહ્યો છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, એડોબી, આઈબીએમ, માઈક્રોન ટેકનોલોજી જેવી કંપનીઓના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર(CEO) પદ પર ભારતીયો બેઠલા છે. એવામાં દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલમાં ભારતીય મૂળના સબીહ ખાનને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, તેમને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કરવામાં (Apple appoints Sabih Khan as COO) આવ્યા છે.
કંપનીએ મંગળવારે સબીહ ખાનને COO પર પર નિયુક્ત કરવાની જાહેરાત કરી, આ મહિનાના અંતમાં તેઓ આ જવાબદારી સંભળાશે. તેઓ આ વર્ષના અંતમાં નિવૃત્ત થઈ રહેલા જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. સાબીહ ખાન છેલ્લા 30 વર્ષથી એપલમાં કાર્યરત છે અને હાલમાં તેઓ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશન્સના પદ પર છે.
કેમ આપવામાં આવી મહત્વની જવાબદારી?
જ્યારે એપલ કંપની આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપ વધારી રહી છે અને કોપ્લેક્સ પ્રોડક્શન સિસ્ટમ સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે, એન્જિનિયરિંગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં તેમની મહારતને કારણે સાબીહ ખાન કંપનીની જરૂરિયાતો પૂરી કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
એપલના CEO ટિમ કૂકે સબીહ ખાનને કંપનીની સપ્લાય ચેઈનના ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવ્યા. એક નિવેદનમાં ટિમ કૂકે કહ્યું, “સબીહ એક તેજસ્વી સ્ટ્રેટેજીસ્ટ છે જેમણે વિશ્વભરમાં એપલની પ્રોડક્ટ્સ પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે નવી પ્રોડક્શન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું, અમેરિકામાં ઉત્પાદન વધાર્યું અને પ્રોડક્શન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવીને એપલના કાર્બન ફૂટપ્રિન્ટમાં 60% ઘટાડો કર્યો.”
આપણ વાંચો: ઈઝરાયલ સાથેના યુદ્ધમાં 1,000 થી વધુ લોકોના મોતનો ઈરાનનો દાવો…
મુરાદાબાદથી સિલિકોનવેલીની સફર:
સાબીહ ખાનનો જન્મ 1966 માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેઓ શાળામાં હતાં ત્યારે તેમનો પરિવાર સિંગાપોર શિફ્ટ થયો હતો, ત્યાર બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતાં. સાબીહ ખાને ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી અને પછી રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ (RPI) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું.
વર્ષ 1995માં તેઓ એપલની ઓપરેશન્સ ટીમમાં જોડાયા, એ પહેલા GE પ્લાસ્ટિક્સમાં એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર અને બાદમાં મુખ્ય એકાઉન્ટ ટેકનિકલ લીડર તરીકે કામ કરી ચુક્યા હતાં.