ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યો? બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19 માર્યા ગયા

નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું ગૃહયુદ્ધ (Myanmaar Civil War) શાંત નથી થઇ રહ્યું, હાલના ટાટમાડો મિલીટરી સાશન સામે ઘણા બળવાખોર જૂથોએ હથિયાર ઉપાડ્યા છે, આ ગૃહ યુદ્ધ દરમિયાન 80 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક તરફ દેશમાં આરાજકતાની સ્થિતિ છે, એવામાં મ્યાનમારના બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટ (ULFA-I) એ દાવો કર્યો હતો કે ભારતીય સેનાએ તેના પૂર્વીય મુખ્યાલય પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં તેના કેટલાક સભ્યોના મોત નીપજ્યા છે, જો કે ભારતીય સેનાએ આ દાવા ફગાવી દીધા છે.

ગઈ કાલે રવિવારે ULFA-I એ એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે કે ભારતીય સેનાએ રવિવારે વહેલી સવારે મ્યાનમારમાં તેમના કેમ્પ પર હુમલો ડ્રોન વડે હુમલો કર્યો હતો, આ હુમલો 2 થી 4 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં લેફ્ટનન્ટ જનરલ નયન મેધી ઉર્ફે નયન આસોમનું મોત નીપજ્યું.

સંગઠને જાહેર કરેલા અન્ય એક નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું કે મિસાઇલ હુમલામાં બ્રિગેડિયર ગણેશ આસોમ અને કર્નલ પ્રદીપ આસોમ પણ માર્યા ગયા હતા. હુમલામાં તેમના 19 સભ્યો માર્યા ગયા છે અને અન્ય 19 ઘાયલ થયા છે.
માર્યા ગયેલા બળવાખોરોમાં મણિપુરી બળવાખોર જૂથ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની રાજકીય પાંખ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF)ના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

આ કથિત હુમલાના સંદર્ભમાં ULFA-Iએ ભારતીય સેના પર વળતો હુમલો કરવાની પણ ધમકી આપી. સંગઠને કહ્યું કે ફાઇટર જેટની મદદથી આવા હુમલા સતત કરવામાં આવી રહ્યા છે. અમને બદલો લેવાનો અધિકાર છે.

ભારતીય સેનાએ માયાનમારમાં હુમલાના દાવાને સંપૂર્ણરીતે ફગાવી દીધા છે. ભારતમાં સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે કોઈ ઇનપુટ નથી કે ભારતીય સેનાએ આવી કોઈ કાર્યવાહી કરી છે.

આ મામલે સ્પષ્ટતા કરતા આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું કે આસામ પોલીસે આવી જોઈ કાર્યવાહી કરી નથી અને આસામની ધરતી પરથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આવો હુમલો કરવામાં આવ્યો હોત તો, ભારતીય સેનાએ નિવેદન જાહેર કર્યું હોત, પરંતુ એવું કશું જ થયું નથી. .
પરેશ બરુઆના નેતૃત્વ હેઠળના ઉલ્ફા (I) ના એક વરિષ્ઠ કમાન્ડર, રુપોમ આસોમની મે મહિનામાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બરુઆના પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે ગાઢ સંબંધ છે અને તે ચીન-મ્યાનમાર-ભારત (અરુણાચલ પ્રદેશ) ના સરહદી વિસ્તારોમાં છુપાયેલો હોઈ શકે છે.

માયાનમારમાં સરહદ નજીકની ચાલી રહેલી લડાઈ ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાની વિષય છે. મે 2025 માં, મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 10 બળવાખોરો માર્યા ગયા હતા.

આ પણ વાંચો….મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા પર ડ્રોન એટેક, ભારતીય સેનાએ કાર્યવાહી નકારી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button