ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: બ્રિટિશ PM સ્ટાર્મરે કરી ભારતની પ્રશંસા

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પદ સંભાળ્યા પછી બુધવારે પહેલી વખત ભારતની બે દિવસીય મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. અહીં તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, ત્યારે ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર કરાર દ્વિપક્ષીય વેપાર અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે એક “લોન્ચપેડ” છે .
સ્ટાર્મરે સાથે 125 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ મુંબઈ પહોંચ્યું છે, જેમાં ટોચના બ્રિટિશ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોનો સમાવેશ થાય છે. સ્ટાર્મર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના માર્ગો શોધવા માટે વ્યાપક વાટાઘાટો કરશે.
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું, “અમે જુલાઈમાં ભારત સાથે એક મોટો વેપાર કરાર કર્યો હતો જે કોઈ પણ દેશે કરેલો અત્યાર સુધીનો શ્રેષ્ઠ કરાર છે, પરંતુ વાર્તા અહીં પુરી નથી થતી. આ ફક્ત કાગળનો ટુકડો નથી, તે વિકાસ માટે એક લોન્ચપેડ છે. ભારત 2028 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે અને તેની સાથે વેપાર ઝડપી અને સસ્તો બનવા જઈ રહ્યો છે, ત્યારે જે તકો ઊભી થવા જઈ રહી છે તે અદ્વિતીય છે. ભારતમાં વૃદ્ધિનો અર્થ દેશમાં બ્રિટિશ લોકો માટે વધુ પસંદગી, સ્થિરતા અને રોજગાર છે.
બ્રિટિશ વડા પ્રધાનની ભારત મુલાકાતના અઢી મહિના પહેલા, બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જુલાઈમાં વડા પ્રધાન મોદીની લંડન મુલાકાત દરમિયાન આ સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર મહોર મારવામાં આવી હતી. આ કરાર 2030 સુધીમાં બજારની પહોંચ વધારશે, ટેરિફ ઘટાડશે અને દ્વિપક્ષીય વેપાર બમણો કરશે.
સ્ટાર્મરની ભારત મુલાકાત અંગેના એક બ્રિટિશ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રવાસનો હેતુ યુકે-ભારત વેપાર કરારથી મળેલી ગતિને આગળ વધારવાનો છે, કારણ કે તે બ્રિટિશ વ્યવસાયો માટે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક સુધી પહોંચવાના દરવાજા ખોલશે.
રોલ્સ રોયસ, બ્રિટિશ ટેલિકોમ, ડિયાજિયો, લંડન સ્ટોક એક્સચેન્જ અને બ્રિટિશ એરવેઝ જેવી મોટી કંપનીઓના ટોચના અધિકારીઓ સ્ટાર્મરના પ્રતિનિધિમંડળનો ભાગ છે. યુકેના વેપાર અને વાણિજ્ય સચિવ પીટર કાયલે જણાવ્યું હતું કે અમે બતાવ્યું છે કે ભારત સાથે વેપાર વધારવાની અમારી મહત્વાકાંક્ષાની કોઈ મર્યાદા નથી. અમે હવે જમીન પર કામ કરી રહ્યા છીએ અને કરાર અમલમાં આવ્યા પછી પ્રાપ્ત થયેલા લાભોનો સંપૂર્ણ લાભ લેવા માટે વ્યવસાયોને તૈયાર કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ, જેથી અમે વૃદ્ધિ, નોકરીઓ અને સમૃદ્ધિને આગળ ધપાવી શકીએ.
બ્રિટિશ ઉત્પાદનો પર ભારતનો સરેરાશ ટેરિફ 15 ટકાથી ઘટીને ત્રણ ટકા થશે, જેનો અર્થ એ કે ભારતમાં સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિક્સથી લઈને કાર અને તબીબી ઉપકરણો સહિત ઉત્પાદનો વેચતી બ્રિટિશ કંપનીઓને ભારતીય બજારમાં વેચાણ કરવાનું સરળ બનશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડ્યુટી 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવા અને પછી આગામી 10 વર્ષમાં આને 40 ટકા કરવાથી ખાસ કરીને વ્હિસ્કી ઉત્પાદકોને ફાયદો થશે, જેનાથી બ્રિટન આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોથી આગળ રહેશે.
આપણ વાંચો : અમેરિકાના કેલિફોર્નિયામાં ‘દિવાળી’ સત્તાવાર રજા જાહેર