મોદીએ ફોન ન કર્યો એટલે ભારત-યુએસ વેપાર કરાર ન થયો! ટ્રમ્પના સલાહકારનો ચોંકાવનારો દાવો…

વોશિંગ્ટન ડી સી: ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં યુએસએ ભારત પર 50% ટેરીફ લાદ્યો હતો, આગામી સમયમાં આ ટેરીફમાં વધારો પણ થઇ શકે છે. ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સલાહાકરે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે વેપાર કરાર ન થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા.
ટ્રમ્પના સહાયક યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે કહ્યું છે કે તેમણે એક કરાર નક્કી કર્યો હતો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન ન કરતાં, એ કરારને અંતિમ રૂપ આપી શકાયું નહીં. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન લુટનિકે કહ્યું, “બધું જ તૈયાર હતું, વડાપ્રધાન મોદીને રાષ્ટ્રપતિને ફોન કરવાની જરૂર હતી, મોદી ટ્રમ્પને ફોન કરતા અચકાટ અનુભવતા હતા, તેથી તેમણે ફોન ન કર્યો.”

કરારની શક્યતા નહીવત:
લુટનિકે કહ્યું કે યુએસએ ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશો સાથે ઘણા વેપાર કરાર કર્યા, ભારત સાથેનો કરાર પૂર્ણ થાવનો હતો, પરંતુ ભારતને કારણે બધું નિષ્ફળ ગયું. લુટનિકે કહ્યું, “અગાઉ નક્કી થયેલા વેપાર કરારમાંથી અમેરિકા પાછળ હટી ગયું છે. અમે હવે તેના વિશે વિચારી નથી રહ્યા.”
યુએસ અને ભારત વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો મહિનાઓથી ચાલી રહી છે. અગાઉ એવી અટકળો વહેતી થઇ હતી કે ભારતે યુએસને કૃષિ બજારમાં પ્રવેશવા માટે મંજુરી આપી ન હતી, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ હતી. પરંતુ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રમ્પના અહંકારને કારણે આ કરાર અટક્યો હતો.
આ પણ વાંચો…‘મોદી સારા માણસ છે પણ…’ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ભારતને ફરી એકવાર છુપી ચેતવણી આપી!



