ભારતે ગાઝા માટે મદદ મોકલી, દવાઓ, સર્જિકલ્સ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી સાથે ફ્લાઈટ રવાના
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં શહેરો અને ગામો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો ઘરબાર વિહોણા થઇ ગયા છે ત્યારે ભારતે ગાઝાના લોકો માટે સહાય મોકલી છે. આ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે ભારત ગાઝાના લોકો માટે મદદ મોકલી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “પેલેસ્ટાઈનના લોકો માટે લગભગ 6.5 ટન તબીબી સહાય અને 32 ટન અન્ય રાહત સામગ્રી લઈને IAF C-17 વિમાન ઈજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થઈ ગયું છે.”
મળતી માહિતી મુજબ ગાઝાને મોકલવામાં આવેલી સહાયમાં જીવનરક્ષક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સેનિટેશન માટેની સામગ્રીઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે.
હમાસે ઇઝરાયલ પર ઑક્ટોબર 7ના રોજ કરેલા રોકેટ મારાના જવાબમાં ઇઝરાયલી સેના ગાઝા પર સતત હુમલાઓ કરી રહી છે. આ સંઘર્ષમાં ગાઝામાં 400૦થી વધુ લોકોને માર્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય નાગરીકો સમવેશ થાય છે. ઇઝરાયલના હુમલામાં લાખો લોકોના ઘર નષ્ટ પામ્યા છે, ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝા ખાલી કરવા ચેતવણી આપી હતી, ત્યારે લાખો લોકો પોતાનું સર્વસ્વ છોડી વિસ્થાપિતો તરીકે જીવન ગાળી રહ્યા છે.
ઈઝરાયલે ગાઝાની આહાર, પાણી, વિજળી, ઇંધણનું પુરવઠો રોકી દીધો હતો. યુએસ, ઇઝરાયેલ, ઇજિપ્ત અને યુએન દ્વારા વાટાઘાટો બાદ ઇજિપ્ત અને ગાઝા વચ્ચેનો રફાહ ક્રોસિંગ પોઇન્ટ આખરે યુદ્ધના બે અઠવાડિયામાં પ્રથમ વખત શનિવારે સહાય માટે ખોલવામાં આવ્યો હતો. વાટાઘાટો પછી, ખોરાક, પાણી અને દવાનો પ્રથમ જથ્થો લઈને 20 ટ્રક ગાઝા પહોંચ્યા હતા, પરંતુ ઇંધણની સપ્લાય હજુ બંધ છે.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા મુજબ કે આ સહાય સમુદ્રમાં માત્ર એક ટીપું છે. હવે ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે અને ગાઝામાં રાહત સામગ્રી મોકલી છે.