ઓક્ટોબરમાં ભારત-રશિયા વચ્ચે ઓઈલના વેપારમાં થયો વધારો, ટ્રમ્પના દાવાનું સુરસુરિયું?
ઇન્ટરનેશનલ

ઓક્ટોબરમાં ભારત-રશિયા વચ્ચે ઓઈલના વેપારમાં થયો વધારો, ટ્રમ્પના દાવાનું સુરસુરિયું?

નવી દિલ્હી: ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોવા મળેલા ઘટાડાને ઉલટાવી રહ્યો છે. ભારતીય રિફાઇનરીઓ તહેવારોની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહી છે, જેના કારણે આયાત વધી છે. વૈશ્વિક વેપાર વિશ્લેષણ કંપની કેપ્લર (Kpler) અનુસાર ઓક્ટોબરમાં રશિયાથી કુલ આયાત આશરે 1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd)રહી છે. આ આયાત પાછલા મહિનાની સરખામણીમાં આશરે 2,50,000 bpdનો વધારો દર્શાવે છે. આ આયાત કેમ વધી છે, આવો જાણીએ.

રશિયા બન્યું ભારતનું સૌથી મોટું સપ્લાયર

આયાતમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ રશિયા દ્વારા ઓફર કરાયેલું ઊંચું ડિસ્કાઉન્ટ છે. રશિયા યુરલ અને અન્ય ગ્રેડના તેલ પર સરેરાશ $3.5થી $ 5 પ્રતિ બેરલનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે જુલાઈ-ઓગસ્ટના $1.5-$2 ડિસ્કાઉન્ટ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. પશ્ચિમી પ્રતિબંધો પછી ફેબ્રુઆરી 2022થી ભારતે ભારે ડિસ્કાઉન્ટ પર રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું છે. 2023-24માં રશિયા 40 ટકા હિસ્સા સાથે ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો છે. હાલમાં, રશિયન તેલ ભારતની કુલ આયાતમાં આશરે 34 ટકા હિસ્સો ધરાવે છે.

આ વધારો એવા સમયે થયો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 15 ઓક્ટોબરે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સંમત થયા છે. ભારતના વિદેશ મંત્રાલયે તરત જ આ દાવાને ફગાવી દીધો અને આવી કોઈ વાતચીતની જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. કેપ્લરના વિશ્લેષકે ટ્રમ્પના નિવેદનને નીતિગત પરિવર્તનને બદલે “વેપાર દબાણ યુક્તિ” ગણાવ્યું છે. ભારતીય રિફાઇનરીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને આયાત બંધ કરવા માટે કોઈ સરકારી નિર્દેશ મળ્યો નથી.

ભારતના ટોચના સપ્લાયર્સ

રશિયા બાદ ભારતના મુખ્ય સપ્લાયર્સની વાત કરીએ તો બીજા ક્રમે ઇરાક (1.01 મિલિયન BPD), ત્રીજા ક્રમે સાઉદી અરેબિયા (8,30,000 BPD), ચોથા ક્રમે યુએસએ (6,47,000 BPD) છે. યુએસએ એ UAEને પાછળ પાડી દીધું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં આયાતમાં ઘટાડો નીતિગત ફેરફારને કારણે નહીં, પરંતુ MRPL, CPCL અને BORL જેવી જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓમાં સીઝનલ મેઇન્ટેન્સને કારણે થયો હતો.

આ પણ વાંચો…ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button