ચીનમાં રહસ્યમય બીમારી અંગે ભારત સતર્ક, આરોગ્ય મંત્રાલયની આવી ગઈ પ્રતિક્રિયા

ચીનમાં કોરોના બાદ હવે એક નવા રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાતા બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોના શ્વસનતંત્રમાંથી આ બિમારીના વાઇરસ અન્ય બાળકોમાં પણ ફેલાઇ રહ્યા છે જેને પગલે અનેક સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે આ અંગે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે અગત્યનું નિવેદન આપ્યું છે.

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, અધિકારીઓ ચીનમાં H9N2 (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) ના સંક્રમણનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા કેસો દ્વારા ભારતમાં આ રોગ ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. તેમ છતાં, ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે.

ચીનના ઉત્તર ભાગમાં સતત નીચા તાપમાન અને ઠંડીનો પારો ગગડવાની સાથે રોગચાળો થવો એ ત્યાંના સ્થાનિકો માટે ભારે કફોડી સ્થિતિ પેદા કરનારું છે. કોવિડ સંકટના શરૂઆતના દેશો જેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ બિમારી અંગે એલર્ટ જાહેર કરી દીધું છે. તેમણે પહેલેથી જ આ બિમારી અંગે સત્તાવાર રીતે ચીનને વધુ માહિતી આપવા માટે અનુરોધ કર્યો હતો.